સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં ભાજપમાં પડ્યું ગાબડું, પૂર્વ તાલુકા પ્રમુખ સહિત 150 કાર્યકર્તા આપમાં જોડાયા

અમરેલીઃ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ખાતે આમ આદમી પાર્ટીની સભામાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપથી નારાજ થયેલા કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સભામાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સતાસિયા સહિત 176 ભાજપના કાર્યકર્તા તથા ચાર કોંગ્રેસના કાર્યકર્તા મળીને કુલ 180 આગેવાનોએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સભામાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સતાસિયાએ ભારતીય જનતા પાર્ટીને યુવાનોને ડ્રગ્સ તરફ લઈ જતી પાર્ટી ગણાવી વહેલી તકે તેને વિદાય આપી વિસ્તારને નશામુક્ત કરવા માટે જણાવ્યું હતું.
આ પણ વાંચો: VIDEO: કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોરની સલાહનો રાજકોટ આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો
ઉલ્લેખનીય છે આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાન 1 ઓગસ્ટ, 2025 થી શરૂ કર્યું છે. આ અભિયાન ખાસ કરીને વિસાવદર પેટાચૂંટણીમાંઆપની જીત બાદ શરૂ કરવામાં આવ્યું છે, જેને પાર્ટીએ ગુજરાતમાં ભાજપના ગઢમાં એક મોટી સફળતા તરીકે જોવે છે.
આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યો આ મુજબ છે:
સંગઠનને મજબૂત બનાવવું: પાર્ટી સમગ્ર ગુજરાતમાં પોતાના સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમાં સ્થાનિક સ્તરે નવા કાર્યકરો અને નેતાઓને જોડવાનો સમાવેશ થાય છે.
સભ્યપદ અભિયાન: આપ એક લાખ નવા કાર્યકરોને પાર્ટીમાં જોડવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં 5,000 સ્થાનિક સ્તરના નેતાઓને સામેલ કરવાની યોજના છે. ખાસ કરીને, કોંગ્રેસના નારાજ અને નિષ્ક્રિય નેતાઓને આપમાં લાવવા પર ભાર મૂકવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી 2,000 સભાનું આયોજન કરશે
જનસંપર્ક અને સભાઓ: આગામી બે મહિનામાં આપ 2000 થી વધુ સભાઓનું આયોજન કરશે. પ્રદેશના નેતાઓથી લઈને વોર્ડ પ્રમુખો સુધીના તમામ નેતાઓ આ સભાઓને સંબોધિત કરશે.
લોકોનો વિશ્વાસ જીતવો: પાર્ટી ગુજરાતના લોકો સમક્ષ પોતાને એક મજબૂત વિકલ્પ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરશે અને તેમની સમસ્યાઓ ઉકેલવાનું આશ્વાસન આપશે.