વાહ ગ્રામવાસીઓએ બચાવ્યો ડોક્ટરનો જીવ, રાજકોટ એઈમ્સમાંથી ગુમ થયો હતો

અમદાવાદઃ રાજકોટ-જામનગર રોડ પર આવેલી એઈમ્સ હૉસ્પિટલનો એમબીબીએસનો વિદ્યાર્થી રતન મેઘવાલ મંગળવારે મોડી રાતથી ગાયબ હતો. બુધવારે આ બાબત ધ્યાનમાં આવતા હૉસ્પિટલ અને હોસ્ટેલમાં દોડધામ મચી હતી અને પછી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
સીસીટીવી ફૂટેજ જોતા રતન મંગળવારે મોડી રાત્રે હૉસ્ટેલની બહાર નીકળ્યો હતો અને શહેરની બહાર આવેલા પરાપીપળિયા તરફ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. દરમિયાન આ વિદ્યાર્થીએ વૉટ્સ એપ ગ્રુપ પર સ્યૂસાઈડ નોટ મૂકી હોવાનું પણ ચર્ચાતું હતું.
યુવક અહીંના રેલવે ફાટક નજીક પહોંચ્યો હતો. યુવકના હાલચાલ જોતા તે શંકાસ્પદ જણાતો હતો. અહીંના સતર્ક ગ્રામજનોએ તેના પર નજર રાખી હતી. દરમિયાન ટ્રેન આવતા યુવક આપઘાત માટે ટ્રેક તરફ દોડ્યો હતો. ગ્રામજનો પણ તેની પાછળ દોડ્યા હતા અને યુવક લગભગ 500 મીટર દોડી ગયો હતો, પરંતુ તેને બચાવી લીધો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
મળતી વિગતો અનુસાર પ્રેમપ્રકરણમાં નાસીપાસ થયા બાદ અથવા એકતરફી પ્રેમ પ્રકરણમાં યુવકે આવું પગલું ભરવા ગયો હોવાનું માનવામાં આવે છે. આ અંગે સત્તાવાર માહિતી મળી નથી. પોલીસ વિશેષ તપાસ હાઝ ધરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



