દિવાળીની રાત્રે લોહિયાળ ઝઘડો: વાંકાનેરમાં મિત્રનો વિવાદ પતાવવા ગયેલા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા | મુંબઈ સમાચાર
સૌરાષ્ટ્ર

દિવાળીની રાત્રે લોહિયાળ ઝઘડો: વાંકાનેરમાં મિત્રનો વિવાદ પતાવવા ગયેલા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં ગતરોજ રાત્રે એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે. પડોશમાં ચાલી રહેલો ઝઘડો શાંત પાડવા ગયેલા ૨૦ વર્ષના યુવાનને પાંચ જેટલા ઈસમોએ ઘેરી વળી માર માર્યા બાદ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. દિવાળી જેવા તહેવાર ટાણે જ જુવાનજોધ દીકરાની હત્યાથી પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થયો હતો.

એફઆઈઆરની વિગતો અનુસાર વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડીયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર ધ્રુવ (ઉ. વ. ૨૦) દિવાળીની રાત્રે વાળ કપાવવા માટે ઘરેથી નીકળ્યો હતો. રાતના ૧૨ વાગ્યાના અરસામાં ધ્રુવના મિત્ર દીપક પરેચાના જણાવ્યા મુજબ, ધ્રુવને તેના પડોશી મિત્ર વિપુલ દિનેશભાઈ સાથલીયાનો ફોન આવ્યો હતો કે તેને કેટલાક લોકો માર મારી રહ્યા છે અને ત્યાં આવવાની વાત કરી હતી. જેથી ધ્રુવ તેના મિત્રો દીપક પરેચા અને કરણ કુંભાર સાથે નવાપરા વાસુકી દાદાના મંદિર સામે રોયલ સિરામીકની કટ પાસે પહોંચ્યા હતા.

પાંચ ઈસમોએ હુમલો કર્યો

ત્યાં સાહિલ દિનેશભાઈ વિંજવાડીયા, રૂત્વીક જગદીશભાઈ કોળી, અનિલ રમેશભાઈ કોળી, વિશાલ સુરેશભાઈ વિંજવાડીયા અને કાનો દેગામા સહિતના પાંચ શખસ હાજર હતા, જેમનો વિપુલ સાથલીયા સાથે ઝઘડો થયેલો હતો. ફરિયાદ મુજબ ધ્રુવ અને તેના મિત્રો આ લોકોને સમજાવવા ગયા હતા, પરંતુ પાંચેય ઈસમોએ ગાળો બોલી ઝઘડો શરૂ કરી દીધો હતો અને ધ્રુવને ઘેરી વળી ઢીકાપાટુથી માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન, આરોપી વિશાલ સુરેશભાઈ વિંજવાડીયાએ છરી કાઢી ધ્રુવની છાતીના ડાબા ભાગે એક ઘા મારી દીધો હતો. ગંભીર ઈજા થતાં ધ્રુવ લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો.

તાત્કાલિક ધ્રુવના મિત્રો તેને કરણની મોટરસાઇકલ પર બેસાડીને વાંકાનેર સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ધ્રુવને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા વાગ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદમાં મૃતકના પિતાએ પાડોશીનો ઝઘડો પતાવવા ગયેલા તેમના પુત્રની હત્યા બદલ પાંચેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો…અમદાવાદમાં પત્નિને સહકર્મચારી સાથે જોઈને ઉશ્કેરાયેલા યુવકે હત્યા કરી નાંખી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button