સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની થશે કાયાપલટ : આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ અને ભવનોનું થશે રીનોવેશન
રાજકોટ: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત દેશની લગભગ 26 યુનિવર્સિટીઓને 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જો કે આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અત્યાધુનિક ઓપ આપવામાં આવશે. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ મુદ્દે સમગ્ર આયોજન કરી લેવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. કમલ ડોડીયાએ જણાવ્યું હતું કે PM-USHA અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 100 કરોડની ગ્રાન્ટ ફાળવી છે અને આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને યુનિવર્સિટીમાં કયા પ્રકારની કામગીરી કરવી તેના માટેનો આખો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જેમાં 27 કરોડના ખર્ચે 2 મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, 5.80 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ, 26 ભવનોનું 22 કરોડના ખર્ચે રીનોવેશન, સંશોધન અને લેબોરેટરીના સાધનો માટે રૂ.49 કરોડ તો સોફ્ટ કમ્પોનન્ટમાં વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર અને અધ્યાપકોને તાલીમ આપી મોડર્ન ટેક્નોલોજી સાથે જોડવાનું આયોજન છે.
કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો યુનિવર્સિટી દ્વારા કી રીતે ઉપયોગ કરવામાં આવશે તેનું પ્લાનિંગ UGC સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. જેમાં 27 કરોડનાં ખર્ચે 2 મલ્ટી સ્ટોરી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. જેમાં વિજ્ઞાનના ભવનોનો લેબ સાથે સમાવેશ કરાયો છે, અહી નવા ક્લાસરૂમ અને સાધનો હશે. સાથે જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ બનાવવાની પણ પ્રપોઝલ મુકીવામાં આવ્યું છે અને આ માટે 5.80 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આથી સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળી રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 1967 માં બાંધવામાં આવેલા અમુક ભવનોની સ્થિતિ પણ જર્જરિત થવા પામી હોય તેવા 26 જેટલા ભવનોનું રિનોવેશન કરવામાં આવશે, આ માટે અંદાજે 22 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તે સિવાય 50 કરોડના ખર્ચે નવા ભવનોનું બાંધકામ, ગેસ્ટ હાઉસનું બાંધકામ અને 26 જૂના ભવનો કે જે જૂના છે તેનું રિનોવેશન કરવામાં આવશે.