
અમદાવાદ: આજથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા પવિત્ર બે જ્યોતિર્લિંગ સહીત અનેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ, ભવનાથ, રામનાથ સહીત અનેક શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડશે.

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહીઓ હોય આથી શ્રદ્ધાળુઓને અગવડતા ન સર્જાય તેમજ ભક્તો શાંતિપૂર્વક દર્શનનો લાભ લઇ શકે તે માટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મંદિર અને તેના આસપાસના પરિસર ખાતે સુરક્ષા અને સલામતી જળવાઈ તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુરુવારે સ્થળ મુલાકાત કરીને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે એક લટાર ભારતના જાણીતા શિવમંદિરોમાં…
તે ઉપરાંત શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગો તેમજ શિવ મંદિરો તરફ પ્રવાસીઓનો વધુ ધસારો હોય, જેને ધ્યાને રાખીને રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 50 એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટથી ઘેલા સોમનાથ, સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતનાં સ્થળોએ વધારાની બસો દોડાવવામાં આવશે તેમ જકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક જે.બી. કળોતરાએ જણાવ્યું હતું. તે ઉપરાંત લોકોની આસ્થાને ધ્યાને લઈને વન વિભાગે ગીરમાં આવેલા પ્રાચીન પાતાળેશ્વર મંદિરે શ્રાવણ માસમાં દર્શન માટે વિનામૂલ્યે પરમીટ આપવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: શ્રાવણ માસમાં ઉપવાસ: ભક્તિ સાથે આપશે સ્વાસ્થ્યનો લાભ, જાણો ઉપવાસના અનેક ફાયદા!
પવિત્ર શ્રાવણ માસનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શહેરના અનેક શિવાલયોમાં રૂદ્રી, મહાઆરતી, દીપમાળા સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. શ્રાવણ માસને ધ્યાને લઈને શિવ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, ધજાપતાકા સાથે સુશોભન કરવામાં આવ્યું છે.