આપણું ગુજરાતજૂનાગઢટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્રમાં મેઘમહેર : જુનાગઢ અને કોડીનારમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ

રાજકોટ: રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું ધીમું ધીમું આગળ વધી રહ્યું છે, પણ હવે મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર મનમૂકીને વરસી રહ્યા છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ક્યાંક પ્રીમોંસૂનની કામગીરીની પોલ ખોલી હતી તો ક્યાંક નદીના પૂરમાં ભેંસો તણાઇ હતી. આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા દરમિયાન 76 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે જામકંડોરણા તાલુકાના ચરેલ, બરડીયા, દડવી સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના લીધે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જામકંડોરણામાં પડેલા ભારે વરસાદને લીધે બરડીયાની સ્થાનિક નદીમાં પૂર આવતા ગામે નદીમાં ભેંસો તણાતી જોવા મળી હતી.આ સિવાય જામનગર જિલ્લાના કાલાવડ, લાલપુર, જામ જોધપુર સહિતના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં પડેલા ભારે વરસાદના લીધે કોઝ વે પરના પાણીમાં એક પ્રોઢ તણાયા હતા, જો કે સ્થાનિક લોકોએ તેમને બચાવ્યા હતા.

આ સિવાય રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, રાજકોટ સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ગોંડલના ભગવતપરામાં ગોંડલી નદીના કાંઠે બનેલી દીવાલ પડી હતી અને પહેલા જ વરસાદે ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર અટકી પડ્યો હતો. જામ કંડોરણા અને ઉપલેટાને જોડતો પુલ તૂટી ગયો છે, આથી ઘણા ગામોની વચ્ચેનો પરિવહન સબંધ અટકી પડ્યો છે. ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ઓસમ ડુંગર પરથી પાણી વહેતા થયા હતા, તો નાની મારડ ગામે બે કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય જેતપુરના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ પડ્યો હતો.

આજે ભારે બફારા બાદ ગિરનારી ગોદમાં મેઘરાજાએ બેટિંગ કરી હતી. પહેલા જ વરસાદમાં જુનાગઢમાં અને કોડીનારમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદથી ગિરનારમાંથી પાણીના વહેણ વહેતા થાય હતા. શહેરના નરસિંહ મેહતા સરોવરમાં પન પાણીની આવક થઈ હતી. તો પહેલા વરસાદમાં ભવનાથ સહિત જંગલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. પહેલા જ વરસાદમાં વેરાવળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button