આજે રાંધણ છઠ્ઠઃ રોનક ગુમાવી રહ્યો છે આ ખાસ દિવસ, મોંઘવારી પણ એક કારણ…
અમદાવાદઃ શીતળા સાતમના દિવસે ઈંધણ બાળવાનું નહીં, ચુલો ચાલુ કરવાનો નહીં એટલે આગલા દિવસ જ જમવાનું બનાવવાનું. આ આગડના દિવસે એટલે રાંધણ છઠ્ઠ. આમ તો આખા ગુજરાતમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ દિવસની રોનક કઇંક અલગ જ હોય છે. બીજે દિવસે બગડે નહીં ખાઈ શકાય તેવી અમુક વસ્તુઓ આજે રાત્રે બની જાય અને સાથે બને નાસ્તો. ઘણા ઘરોમાં રાત્રે કાચા કેળાનું શાક અને ચણા તેમ જ પૂરી બને તો અમુક પરિવારો થેપલા બનાવીને ખાઈ તો અમુક સમાજમાં રોટલા અને મગ ખાવાનો રિવાજ. આ સાથે રાતડી (મીઠી પુરી), સેવ ગાંઠિયા જેવો નાસ્તો. તે પણ આડોશ-પડોશના સાથે બેસી બનાવે અને ખાઈ. પણ છેલ્લા ઘણા વર્ષોથી બહારથી તૈયાર નાસ્તા લાવવાનો ટ્રેન્ડ, વેકેશનમાં ફરવા જવાનો ટ્રેન્ડ અને મોંઘી બનતી વસ્તુઓને લીધે આ પરંપરાઓ ઓછી થતી જાય છે. તેમ છતાં સૌરાષ્ટ્ર ઘણા પરિવારો આજના દિવસે ખાસ આવતીકાલનું પણ ભોજન બનાવી લે છે અને આવતીકાલે ચુલા-ગેસની પૂજા કરી તેને એક દિવસ આરામ આપે છે.
જોકે આ વર્ષે ચણાના લોટથી માંડી, ઘી, ખાંડ, તેલ વગેરે અને ગેસના ભાવ આસમાને ચડતા મધ્યમવર્ગીય પરિવારો માટે તહેવારો ઉજવવા મુશ્કેલ બની રહ્યા છે.
રેડીમેડ અને ઈન્સ્ટન્ટ ફૂડના યુગમાં હવે રાંધણ છઠ્ઠનું મહત્વ ધીમે-ધીમે વિસરાઈ રહ્યુ છે. ઘરે પરિવારજનો માટે ટાઢી રસોઈ કરવાની લાંબી કડાકૂટમાં પડવાના બદલે મોર્ડન ગૃહિણીઓ હવે જરૂરીયાત મુજબનું જ રાંધે છે બાકી તૈયાર મીઠાઈ અને ફરસાણ મંગાવતી થઈ છે. આ વર્ષે ફરસાણ માટેના બેસન, ખાંડ, મેંદો, માવો તેમજ સુકા મેવા સહિતના રો-મટીરીયલ્સના ભાવ ૧૦ થી ૧૫ ટકા વધી જતા બહારના નાસ્તાઓ પણ મોંઘા બન્યા છે.
નાગપંચમીની આ રીતે કરી ઉજવણી
ગુજરાતના જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે નાગપાંચમના પર્વે ગૃહિણીઓ દ્વારા ઘરના પાણિયારે અથવા ઘરમંદિરે દિવા, ધૂપ કરી રૂના કંકુમિશ્રિત નાગલા બનાવીને નાગનું કંકુથી ચિત્ર બનાવીને હળદર, નાડાછડી, ચોખા અને ફૂલ ચઢાવીને નાગદેવતાનું વિધિવત પૂજન અર્ચન કરી બાજરાની કુલેર, નાળિયેર તલવટ સાથે પલાળેલા મગ, કઠોળનુ નૈવૈદ્ય ધરી નાગલાથી નાગપૂજન કરાયું હતુ. નાગપાંચમને લઈને રાજયના મંદિરોમાં શ્રધ્ધાળુઓ પરિવારજનો અને બાળકો સાથે ઉમટી પડયા હતા. જયાં દર્શન, પૂજન અર્ચન અને કુલેર, તલવટ ધરવામાં આવી હતી.