સૌરાષ્ટ્રમાં મેઘમહેર : ખંભાળિયામાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ
રાજકોટ: રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે તેમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. હાલ સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન છે. આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, અમરેલી, જામનગર, જુનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના માર્ગો પાણી પાણી થયા હતા.
આજે વહેલી સવારથી દ્વારકા જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ વહેલી સવારેથી જ ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, સાથે જ ખેતરોમાં પાણી પાણી થયા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા. વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રમાં ખૂબ જ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ખંભાળિયા પંથકમાં બપોરે 11 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના માર્ગો પાણી પાણી થયા હતા અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો
તો ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પણ પાણી ભરેલા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ખૂબ જ ઠડક પ્રસરી હતી. જેને લોકો મન ભરીને માણી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને તેઓએ વાવણી લાયક વરસાદને વધાવ્યો હતો.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં છૂટીછવાઈ મેઘમહેર : અમરેલીના વડીયા-ખાખરિયામાં સારો વરસાદ
આજે આકરા ઉકળાટ બાદ જુનાગઢમાં પણ વરસાદ પડ્યો હતો. બપોરના સમયે જુનાગઢ શહેરના અમુક વિસ્તારોમાં સાબલપુર ચોકડી, જોષીપુરા, મોતીબાગ, ટીંબાવાડી, કાળવા ચોક તેમજ ભવનાથ તળેટીમાં વરસાદ નોંધાયો હતો. આ સિવાય ભેંસાણ તાલુકાના ગ્રામ વિસ્તાર પરબ વાવડીમાં પણ વરસાદ નોંધાયો હતો.
આ સિવાય પોરબંદર જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. પહેલા વરસાદે જ પોરબંદર નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ચીંથરા ઉડાડી દીધા હતા. માત્ર ત્રણ ઇંચ જેટલા વરસાદમાં જ શહેરના વિરડી પ્લોટ, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અહી પાણીનો નિકાલ નહીં થવાથી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા અને પાલિકાની ટીમે જેસીબીથી ગટરો ખોલવાની નોબત આવી હતી.
અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો, અહી સાવરકુંડલા, લીલીયા, વડીયામાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલીયાના દુધાળા, જાત્રુડા,સાજન, ટીંબા, અંટાળીયા, ભોરિંગડા, ઈંગોરાલા,મોટા ગોખરવાળા, નાના ગોરખરવાળા, લાપાળીયામાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે.