Gujarat Rain : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : સાવર કુંડલાની નાવલીમાં આવ્યા નવા નીર

રાજકોટ: નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ તો કરી લીધો છે પરંતુ હજુ સુધી તેને દક્ષિણ ગુજરાતમાં જ ધામા નાખ્યા છે. જ્યારે આજે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. જો કે હજુ પણ સારો વરસાદ પડ્યો નથી અને સારો વાવણીલાયક વરસાદ પડે તેવી આશા ખેડૂતો આશા સેવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે વરસાદ નોંધાયો છે. અહી કોડીનાર અને ઉનાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ પડ્યો હતો,. જિલ્લાના ડોળાસા, વેરવા, કડોદરા, સીમાસી સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય વેરાવળ તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો.
નાવલી નદીમાં નવા નીર :
આ સિવાય અમરેલીમાં પણ વરસાદ નોંધાયો હતો. અમરેલીના ખાંભા, રાજુલા, સાવર કુંડલા, લાઠી, જાફરાબાદ સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જાફરાબાદના દરિયા કિનારા નજીકના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જો કે વરસાદ દરમિયાન સાવર કુંડલાની નાવલી નદીમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય નેસડી, બાઢડા, અભરામપરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. અમરેલીના ધારી તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. અહી આંબરડી, ઝર, દહિડા, મોરઝર, પરબડી, જીરા, સરસિયા સહિતના ગીરકાંઠા નજીકના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. ખાંભા તાલુકાના ત્રાકુડા, ભૂંડણી, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.
બોટાદ પંથકમાં વરસાદ :
બોટાદ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બોટાદ શહેરના પાળીયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ, સ્ટેશન રોડ, અને ટાવર રોડ સહિતના વિસ્તારમાં શરૂ થયો ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદમાં બોટાદ શહેરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.
આ પણ વાંચો : ગુજરાતમાં રાષ્ટ્રીય Lok Adalat યોજાઇ, 4.37 લાખ પેન્ડિંગ કેસમાંથી 2.51 લાખ કેસમાં સમાધાન
જસદણ તાલુકામાં પણ વરસાદ :
આ સાથે રાજકોટના જસદણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો છે. આટકોટ, સાણથલી, ગરણી, વીરનગર, પાંચવડા, જીવાપર, ગુંદાળા જંગવડ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા આટકોટ અને સાણથલી ગામે રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં છે.
બરડા પંથકમાં વરસાદ :
આ સાથે જ પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતો સહિત લોકોમાં ખુશી છે. આજે પોરબંદર અને જિલ્લામાં બરડા નજીકના ગામોમાં વરસાદ પડ્યો હતો. જિલ્લાના બગવદર, ખાંભોદર, રાણાવાવ,બખરલા, કાટવાણા ગામમાં વરસાદ પડ્યો હતો.