સૌરાષ્ટ્રમાં દીપડાનો ખૌફ: અમરેલીમાં સાત વર્ષના બાળક પર હુમલો, રાજકોટમાં દેખાયેલા દીપડાની તલાશ
રાજકોટ: સૌરાષ્ટ્રમાં માનવવસ્તીમાં દીપડાના ઘુસી જીવની ઘટના સતત વધી રહી છે. ગઈ કાલે રાત્રે અમરેલી (Amreli) જિલ્લામાં દીપડાએ એક સાત વર્ષના બાળક પર હુમલો કર્યો હતો, જેમાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડા(Leopard)ને પકડવા કામગીરી શરૂ કરી હતી. ત્યારે રાજકોટ (Rajkot) શહેરમાં દેખાયેલા દીપડાની તલાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ અમરેલીના તરકતળાવ ગામમાં દીપડાએ શ્રમિક પરિવારના સાત વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો, બાળકની બુમો સંભાળીને પરિવારજનો દોડી આવ્યા હતા. લોકો એકઠા થઇ જતા દીપડો નાસી છૂટ્યો હતો પરંતુ બાળકને બચાવી શકાયું ન હતું. શ્રમિક પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે, જે આહીં ખેતમજુરી કરવા આવ્યો છે.
આ ઘટના બાદ શ્રમિક પરિવાર આઘાતમાં છે. તરકતળાવ સહીત આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આદમખોર બનેલો દીપડો વધુ હુમલા કરે પહેલા વન વિભાગની ટીમે તેને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે મોડી રાતે વિસ્તારમાં પાંજરા ગોઠવી દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ શહેર નજીક દીપદો દેખાયાના અહેવાલ મળ્યા હતા. રાજકોટ ફોરેસ્ટ વિભાગ અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. ગઈકાલે રૈયાધાર પાસે દીપડો દેખાયાની લોકોમાં ચર્ચાઓ હતી. વિભાગના અધિકારીઓને હજુ સુધી દીપડો દેખાયો નથી જોકે ફૂટ પ્રિન્ટ થી દીપડો 3 થી 4 વર્ષનો હોવાનું અનુમાન છે.