સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…

ગાંધીનગર: એકતરફ અતિભારે વરસાદથી ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન ગયું છે ત્યારે હવે વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામૂલો પાક મુરઝાય રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિત લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય: 196 ગામોનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ
ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રેની રોટે શન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર 8 કલાક વીજળી આપવામાં આવે છે. જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ 75%થી વધુ સપ્લાય દિવસ દરમ્યાન આપવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે, વરસાદ ખેંચાતો હોય અથવા ઉભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણે ના ડાંગર, જીરું જેવા પાક ને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ 8 કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે.
કયા જિલ્લાને મળશે લાભ:
હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વિજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોલ, માળીયા હટીના તાલુકામાં તેમજ કચ્છ જીલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવા અમલવારી કરવાની સુચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે જેનાથી ખેડૂતોના મહામૂલા ઉભા પાકને જીવતદાન મળ્યું છે.
વીજમાંગમાં થયો વધારો:
મંત્રીએ ઉમેર્યું કે, ઓગષ્ટના અંતિમ અઠવાડિયામાં પીજીવીસીએલની મહત્તમ વીજમાંગ 3147 મેગાવોટ અને વીજ વપરાશ ૫૫ મીલીયન યુનીટસ હતો, જે હાલમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં વીજ માંગમાં વધારો થતાં અનુક્રમે 9053 મેગાવોટ અને 154 મીલીયન યુનીટસ સુધી પહોંચ્યો હતો. એજ રીતે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાંગ 187 મેગાવોટ અને વીજ વપરાશ 03 મીલીયન યુનીટસ હતો,જે હાલમાં વધીને અનુક્રમે 5820 મેગાવોટ અને 55 મીલીયન યુનીટસ નોંધાયેલ છે.