ફરી રેડાયું લોહીઃ સૌરાષ્ટ્રમાં ત્રણ અકસ્માતમાં ચારનાં મોત
ગઈકાલે ગુજરાતમાં ત્રણ અકસ્માતમાં 13 જણે જીવ ગુમાવ્યો હતો, જેમાં સૌરાષ્ટ્રના 11 જણનો સમાવેશ થાય છે ત્યારે આજે ફરી અલગ અલગ ત્રણ અકસ્માતમાં ચાર જણે જીવ ગુમાવ્યો છે.
ઘટનાની વિગતો જોઈએ તો વાંકાનેર અને ટંકારામાં રહેતા મિત્રો નવા મોબાઈલ લીધાની ખુશીમાં ઉજાણી કરવા જતા હતા ત્યારે વાંકાનેરના કેરાળા ગામ પાસે અકસ્માત નડયો હતો. કાર ટ્રક પાછળ ઘુસી જતા કારમાં સવાર ચારેય યુવાનને ઈજા પહોંચી હતી. જેમાં કારચાલક સમીર સરવદી (રહે. ટંકારા)ને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જ્યારે અહેમદ અને અમીનને ઈજા થતા રાજકોટ સારવાર માટે લઇ ગયા હતા. વાંકાનેર સીટી પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
તો બીજી એક ઘટનામાં વાંકાનેરથી માતાના મઢ જવા નીકળેલા ત્રણ પદયાત્રીઓને માળિયા કચ્છ હાઈવે પર અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું અને અન્ય બેને ઈજા થઇ હતી.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં વાંકાનેરના સમઢિયાળા ગામના રહેવાસી મહેશભાઈ ધણાદીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ અન્ય શ્રદ્ધાળુઓ સાથે માતાના મઢ પગપાળા જતા હતા અને રાત્રીના માળિયાના હરીપર ગામ નજીક કચ્છ હાઈ-વે પહોંચ્યા ત્યારે મોરબી તરફથી એક ડમ્પર ચાલક પુરઝડપે ડમ્પર ચલાવી નીકળ્યો હતો અને ડમ્પર રોડ સાઈડમાં ડિવાઈડર સાથે અથડાતા અને આગળ જતા પ્રકાશભાઈ, જેરામભાઈ અને ગોરધનભાઈ ત્રણેયને હડફેટે લીધા હતા.
દરમિયાન હાઈવે પરની એમ્બ્યુલન્સ આવતા ડોકટરે પ્રકાશભાઈને મૃત જાહેર કર્યા હતા. તેમજ અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માળિયા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
તો માર્ગ અકસ્માતની ત્રીજી ઘટનામાં જામનગરની ગોઝારી દુર્ઘટના સર્જાતા દંપતીએ જીવ ગુમાવ્યો છે. ચંગા ગામના પાટીયા પાસે બે કાર સામસામે અથડાતાં એક કારમાં બેઠેલું દોઢીયા ગામનું દંપતી કે જેઓ શ્રાદ્ધનું કાર્ય કરવા જઈ રહ્યા હતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત અન્ય કારમાં બેઠેલી બે મહિલા સહિતના ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોના નામ કાંતિભાઈ અને પત્ની શારદાબેન હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તો બેભાન હોવાથી નામ જાણી શકાયા નથી. આ અકસ્માતની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલ પહોંચી ગયો હતો.