સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના લીધે એસટી સેવા પ્રભાવિત; ઘેડ પંથક થયું જળમગ્ન

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહી છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-મધ્ય જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે. અહી દિવસ બે કલાકમાં 6 ઇંચ અને દરમિયાન 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યમાં 214 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સરેરાશ 44 તાલુકાઓમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં સાંબેલાધારઃ વરસાદની નૉનસ્ટોપ બેટિંગથી નદીઓ બે કાંઠે વહી
ઘેડ પંથક જલમગ્ન:
સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે. હાલ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હાલ ભાદર અને ઓઝતના પાણીથી ઘેડ પંથક જળમગ્ન થતાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ચૂક્યા છે. પાણીના ભરાવાથી પરિવહન અને એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ છે.
વીજપુરવઠો ખોરવાયો:
હાલ અનેક સ્થળોએ વીજ થાંભલાઓ પડી જવાથી વીજપુરવઠો ખોરવાયો છે. સૌરાષ્ટ્રના 47 જેટલા ગામડાઓમાં હાલ વિજ પુરવઠો પણ અટકી પડ્યો છે. જુનાગઢ જિલ્લાના 13 અને પોરબંદર જિલ્લાના 11 ગામોમાં વીજ પુરવઠો અટક્યો છે.
ST સેવા પ્રભાવિત:
હાલ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અસર એસ. ટી. સેવા પર પણ થઈ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહેલા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના ભરાવાથી અને સતત પડી રહેલા વરસાદથી ગ્રામ્ય વિસ્તારની સડકોનું ધોવાણ થવાને લીધે અનેક એસ. ટી. રૂટ પ્રભાવિત થયા છે. ભારે વરસાદને પગલે અનેક એસટી રુટ કેન્સલ કરવામાં આવ્યા છે. રાજકોટના ઉન ખીજડીયા અને મોરીદડ ટ્રીપ પણ હાલ રદ્દ કરી દેવામાં આવી છે.
ડેમોની જળસપાટીમાં વધારો:
સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. હાલ સૌરાષ્ટ્રના ભાદર-1, સુરવો-2, ભાદર-2, છાપરવાડી, ઉબેણ, ઓઝત, શેત્રુંજી 2 સહિતના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જુનાગઢમાં પડી રહેલા અતિભારે વરસાદને લીધે વિલિંગડન્ડ ડેમ આજે ઓવરફ્લો થયો હતો.