આપણું ગુજરાત

સાવજોનો વટઃ હજુ તો સફારી ખુલી નથી ને બુકિંગ ફૂલ

ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોનું વેકેશન પૂર્ણ થવાને આરે છે. આગામી તા. 16મી ઓક્ટોબરથી સાસણમાં પ્રવાસીઓ કરી સિંહ દર્શન કરી શકશે. સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઈન બુકિંગ આગામી ડિસેમ્બર સુધી ફૂલ થઈ ગયું છે. પ્રવાસીઓ ઓફિશિયલ વેબસાઈટ પરથી પરમીટ બુકિંગ કરે છે.

દર વર્ષે 16 જૂનથી 15 ઓકટોબર સુધી ચાર મહિના સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રહે છે. ચોમાસું અને વન્ય પ્રાણીઓના પ્રજનન કાળને લઈને પ્રવાસીઓ માટે સાસણગીરમાં પ્રવેશબંધી હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાસણગીરમાં સિંહ દર્શન માટે ઓનલાઈન પરમિટ બુકિંગ આગામી ડિસેમ્બર સુધી હાઉસફુલ છે. ત્યારે સાસણગીરના સિંહદર્શનની ઓફિસિયલ વેબસાઇટ પરથી પ્રવાસીઓ બુકિંગ કરી શકે છે. છેલ્લી સિઝનમાં રેકોર્ડ બ્રેક સાડા સાત લાખ જેટલા પ્રવાસીઓએ સાસણગીરની મુલાકાત લીધી હતી અને તેમાં જંગલ સફારીની મજા માણી હતી.


ઓનલાઈન બુકિંગ શરૂ થયાને ગણતરીના દિવસોમાં જ આગામી ડિસેમ્બર સુધીની મોટાભાગની પરમીટો બુક થઈ ગઈ છે. આ ઉપરાંત દિવાળીનાં મિનિ વેકેશન માટે પ્રવાસીઓએ અત્યારથી જ હોટલ બુક કરવાની શરૂઆત કરી દીધી છે. હોટલના સંચાલકોએ તહેવારોમાં ભાડાં બમણાથી વધુ કરી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button