સરદાર સરોવર ડેમ 87 ટકાથી વધુ ભરાયોઃ 98 ડેમ હાઇ એલર્ટ પર

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.તેમજ આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. બંગાળની ખાડી પાસે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. આ ઉપરાંત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. રાજ્ય પર કુલ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
15 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા
રાજ્યની જીવાદોરી ગણાતો નર્મદા ડેમ તેની સંગ્રહ ક્ષમતાનો 87.33 ટકા ભરાયેલો છે. જ્યારે અન્ય 206 જળાશયોમાં 78.76 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 98 ડેમ હાઇ એલર્ટ, 27 ડેમ એલર્ટ અને 18 ડેમ વોર્નિંગ પર છે. રાજ્યમાં 73 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70 થી 100 ટકા, 26 ડેમ 50 થી 70 ટકા, 22 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. માત્ર 15 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.
આ પણ વાંચો: સાબરમતી નદીનું જળસ્તર વધ્યું, રિવરફ્રન્ટ સતત બીજા દિવસે બંધ: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંકટ
સિઝનનો સરેરાશ વરસાદ 85.04 ટકા
રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 85.04 ટકા નોંધાયો છે. કચ્ચમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 88.77 ટકા, પૂર્વ મધ્યમાં 79.89 ટકા, સૌરાષ્ટ્રમાં 83.72 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.05 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં પંચાયત હસ્તકના 159 સહિત કુલ 174 રોડ રસ્તા બંધ છે. કચ્છમાં ચાર, પોરબંદરમાં બે તથા જૂનાગઢમાં એક મળી કુલ સાત રૂટ પર એસટીની 11 ટ્રીપ બંધ રહી હતી.
51 તાલુકામાં વરસાદ
રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કપરડામાં સૌથી વધુ 2.05 ઇંચ વરસાદ વરસ્યો હતો. સુબીરમાં 1.69 ઇંચ, ડાંગ-આહવામાં 1.3 ઇંચ, કવાંટમાં 1.02 ઇંચ વરસાદ પડ્યો હતો. 47 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.