
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી જ સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમ 59.03 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 60.88 ટકા ભરાયેલા છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 55.02 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 63.99 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.03 ટકા, પૂર્વ મધ્યમાં 51.55 ટકા, સૌરાષ્ટ્રમાં 53.72 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 58.64 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં હાલ 28 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 28 હાઈ એલર્ટ પર છે. 62 ડેમ 70 થી 100 ટકા, 40 ડેમ 50 થી 70 ટકા, 39 ડેમ 25 થી 50 ટકા, 37 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. હાલ 19 ડેમ એલર્ટ અને 23 ડેમ વોર્નિંગ પર છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં પડેલા વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ રાજ્યમાં 69 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. વ્યારામાં સર્વાધિક 1.1 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય એક પણ તાલુકામાં એક ઈંચ વરસાદ નોંધાયો નહોતો.