સરદાર સરોવર ડેમ 50 ટકાથી વધુ ભરાયોઃ રાજ્યમાં 70 તાલુકામાં મેઘમહેર

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવા માટે તૈયાર થઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ મુજબ, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં સારા વરસાદના પગલે સરદાર સરોવર ડેમ 50 ટકાથી વધુ ભરાયો છે.
67 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ
આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 70 તાલુકામાં મેઘમહેર થઈ હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સૌથી વધુ 1.97 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના પાલીતાણામાં 1.30 ઈંચ, ગીર સોમનાથના ઉનામાં 1.26 ઈંચ વરસાદ નોંધાયો હતો. 67 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.
સરદાર સરોવર ડેમ 50.21 ટકા ભરાયો
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે સિઝનનો સરેરાશ 48.14 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં સૌથી વધુ 59.19 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 52.44 ટકા, સૌરાષ્ટ્રમાં 47.30 ટકા, પૂર્વ મધ્યમાં 46.17 ટકા, ઉત્તર ગુજરાતમાં 42.79 ટકા વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર ડેમ 50.21 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 57.41 ટકા ભરાયેલા છે.
25 ડેમ 100 ટકા ભરાયા
રાજ્યમાં 40 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 21 ડેમ એલર્ટ અને 17 ડેમ એલર્ટ છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા સારા વરસાદના પગલે 25 ડેમ 100 ટકા ભરાઈ ચુક્યા છે. જ્યારે 53 ડેમ 70 થી 100 ટકા, 45 ડેમ 50 થી 70 ટકા, 40 ડેમ 25 થી 50 ટકા અને 43 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.