સાપુતારા પોલીસે ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરી ૬ આરોપીને ઝડપ્યા…

આહવા: સાપુતારા પોલીસે યુવકોને લગ્નના બહાને નિશાન બનાવતી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરીને 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ લુંટેરી દુલ્હન અને તેની ગેંગ મહારાષ્ટ્રીયન પહેરવેશ ધારણ કરી અને મરાઠી ઓળખ બનાવીને યુવકોને લગ્નના બહાને નિશાન બનાવીને લાખો રૂપિયાની છેતરપીંડી આચરતી હતી.
લગ્ન કરવાના બહાને દોઢ લાખ પડાવ્યા
મળતી વિગતો અનુસાર થોડા મહિનાઓ પૂર્વે એક ટોળકીએ લગ્ન કરવાના બહાને એક યુવકને છોકરી સાથે સંપર્ક કરાવીને તેની પાસેથી લગ્નના ખર્ચ પેટે દોઢ લાખ કરતા વધુ રૂપિયા પડાવી લીધા હતા અને આ અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ બાદ પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા તપાસ આદરી હતી.
આ અંગે પોલીસનાં સ્ટાફે ગુનેગારોને પકડવા માટે મહારાષ્ટ્રીયન પહેરવેશ પહેરી અને મરાઠી ઓળખ બનાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસની આ યુક્તિના આધારે, સાપુતારા પોલીસની ટીમે ગલકુંડ ગામ ખાતેથી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે ગલકુંડ ગામ ખાતેથી મુખ્ય આરોપી ચંચલબેન ગંગાધરભાઈ સેંડે અને વંદનાબેન ભગવાનભાઇ પાટીલની ધરપકડ કરી હતી.
55,000 ની રોકડ રિકવર કરી
આ ઉપરાંત, પોલીસે અગાઉ આ ગુનામાં રાહીલબેન ઉર્ફે રાણીબેન વિનોદભાઈ પરમાર, રેખાબેન ઉર્ફે પુંજા વૈભવભાઇ જમદાડે, વિનેશભાઇ ઉર્ફે વૈભવભાઈ માણીકભાઈ જમદાડે અને મધુભાઇ રતનભાઇ પવારની પણ અટકાયત કરી હતી. સાપુતારા પોલીસની ટીમે આ ગુનામાં રૂપિયા 55,000 ની રોકડ રિકવરી પણ કરી છે. આરોપીઓની અટકાયત બાદ સાપુતારા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.