આપણું ગુજરાતનેશનલ

‘મને સેન્ટ્રલ જેલમાં ન નાંખશો, ત્યાં મારા જીવને જોખમ છે’ પૂર્વ IPS સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં કરી અરજી

ગુજરાત કેડરના પૂર્વ IPS સંજીવ ભટ્ટ (Former IPS Sanjiv Bhatt) ફરી એકવાર લાઈમ લાઇટમાં આવ્યા છે. સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે 1996ના ડ્રગ્સની હેરાફેરીના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. હાલ તે જેલમાં છે. આ દરમિયાન પૂર્વ IPS અધિકારીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં તેને માંગ કરી છે કે રાજ્ય સરકાર અને જેલ સત્તાવાળાઓને તેમને સેંટ્રલ જેલમાં ટ્રાન્સફર ન કરવા નિર્દેશ આપે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે જેલમાં તેમના જીવને જોખમ છે.

તેને જણાવ્યુ કે ગુનેગારો અને આતંકવાદીઓથી તેમણે જોખમ છે જેમની તેમણે તેમની સર્વિસ દરમિયાન ધરપકડ કરી હતી. રાજ્ય સરકારે તેનો વિરોધ કર્યો અને સંજીવ ભટ્ટને પૂછ્યું કે તેમણે તેમની સેવા દરમિયાન કયા આતંકવાદીની ધરપકડ કરી હતી? તેણે 20-25 વર્ષ સુધી એવી કોઈ પોસ્ટ પર કામ નથી કર્યું જેમાં તેણે ગુનેગારોને પકડ્યા હોય.

ભટ્ટે 28 માર્ચે અરજી દાખલ કરી હતી. તે જ દિવસે પાલનપુર જિલ્લા કોર્ટે NDPS કેસમાં તેને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે તેને જામનગર જિલ્લા કોર્ટની કસ્ટડીમાં ટ્રાન્સફર કરવાનો આદેશ પણ આપ્યો હતો, જ્યાં જૂન 2019માં તેને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

પાલનપુર કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે NDPS કેસમાં ભટ્ટની 20 વર્ષની સજા જામનગર જિલ્લા કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલી આજીવન કેદની સજા પૂર્ણ થયા બાદ શરૂ થશે. બુધવારે સુનાવણી દરમિયાન ભટ્ટના વકીલ કૃતિ શાહે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ IPS અધિકારીની સુરક્ષા મુખ્ય ચિંતા છે.

સંજીવ ભટ્ટના વકીલે કહ્યું કે IPS ઓફિસર હોવાને કારણે તેણે ઘણા કઠોર ગુનેગારો અને આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરી છે. આ ગુનેગારો રાજ્યની મધ્યસ્થ જેલોમાં બંધ છે. તેણે ભટ્ટને પાલનપુર સબ-જેલમાં રાખવા માટે વિનંતી કરી હતી, જ્યાં તે 2019માં તેની ધરપકડ બાદથી છે. તેમણે રજૂઆત કરી હતી કે, ભટ્ટ જામનગરની કોર્ટે આપેલી સજા પાલનપુર જેલમાં ભોગવી રહ્યા છે.

એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને દલીલ કરી હતી કે 20 વર્ષથી આજીવન કેદની સજા પામેલા કોઈપણ કેદીને જેલના નિયમોને કારણે સેન્ટ્રલ જેલમાં રાખવાની જરૂર છે. તેમણે ભટ્ટની દલીલને નકારી કાઢી હતી કે સેન્ટ્રલ જેલમાં તેમની સુરક્ષા સાથે ચેડા થઈ શકે છે. સરકારી વકીલે કહ્યું કે આ કોર્ટ તેમના જેલ ટ્રાન્સફરનો નિર્ણય કયા આધારે લેશે? માત્ર એટલા માટે કે તેઓ IPS અધિકારી હતા? તેઓ છેલ્લા 20-25 વર્ષથી કોઈ કાર્યકારી પદ પર નથી. ક્યાં છે ભયંકર આતંકવાદીઓ જેઓ તેમના માટે કોઈ ખતરો છે?

જ્યારે ભટ્ટના વકીલે તેમની સુરક્ષા માટે ભટ્ટને પાલનપુર જેલમાં રાખવાની માંગણી માટે દબાણ ચાલુ રાખ્યું હતું. તેણે NDPS કેસમાં અંડરટ્રાયલ તરીકે આ જેલમાં પાંચ વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. સરકારના ટોચના કાયદા અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે ભટ્ટને સુરક્ષિત રાખવા સરકારની ફરજ છે. જસ્ટિસ એચડી સુથારે આગામી સુનાવણી 18 એપ્રિલે નક્કી કરી છે.

ગુજરાત સરકાર સાથે સંજીવ ભટ્ટનો સામનો 2011માં શરૂ થયો હતો (Sanjeev Bhatt vs Gujarat Government). તેણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં તેણે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સંજીવ ભટ્ટે દાવો કર્યો હતો કે ગોધરા ટ્રેન સળગાવ્યા બાદ મોદીએ 27 ફેબ્રુઆરી, 2002ના રોજ તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી.

આ દરમિયાન, વરિષ્ઠ અમલદારોને તોફાનીઓ સામે કાર્યવાહી વધુ તીવ્ર ન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. હવે સંજીવ ભટ્ટ મોદીના નિવાસસ્થાને તેમની હાજરી પુરવાર કરવા માટે તેમના જુનિયર અધિકારીને ખોટા નિવેદન માટે દબાણ કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button