સાંઢીયો પુલ છે કે માથાનો દુખાવો?
રાજકોટ: સાંઢીયો પુલ હાલ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. છાપામાં મસ્ મોટી જાહેરાત આપી દીધી કે સાંઢીયો પુલ રીનોવેશન માં જાય છે. તેને તોડી નવી ડિઝાઇન મુજબ અદ્યતન બનાવવામાં આવશે. આ બધી વાતોથી લોકોને ફિલ ગુડ થયું. તંત્ર એ જાહેરાત પણ કરી દીધી કે આટલા કરોડનો ખર્ચ થશે આ રીતે અત્યંત આધુનિક બનશે, ફલાણી તારીખથી બંધ થશે. પરંતુ તે પહેલા મગજ દોડાવી અને કરવાના કામ તંત્ર ભૂલી ગયું કે સાંઢીયા પુલ પરથી રોજના હજારો વાહન પસાર થાય છે. શહેરમાંથી હોસ્પિટલ ચોક થઈ અને જામનગર રોડ જવું હોય તો એકમાત્ર જીવા દોરી સમાન આ પુલ છે. પુલ પર જ્યારે જ્યારે ટ્રાફિક જામ થાય છે ત્યારે બાજુમાં એરપોર્ટ ની દિવાલને અડીને એક ખખડધજ રસ્તો હતો જેને તાત્કાલિક તંત્રએ ડબલ પટ્ટી રોડ બનાવ્યો. અને બહુ મોટું કામ કરી નાખ્યું હોય તેમ આજે સવારે સાંઢિયો પુલ બંધ કર્યો. 10 જ મિનિટમાં તંત્રને પરસેવો વળી ગયો કારણકે આ પગલું વગર વિચાર્યું હતું. વિકલ્પે ડબલ પટ્ટી રોડ બનાવી અને હોસ્પિટલ ચોક બાજુનો વૈકલ્પિક રસ્તો વાહનોથી ચક્કાજામ થઈ ગયો. કારણકે વચ્ચે એક ફાટક આવે છે જે એક પટ્ટી રસ્તો છે. દિવસમાં 15 વાર ફાટક બંધ થાય છે.આજે પણ એટલો બધો ટ્રાફિક થયો કે આવનજાવન કરતી ટ્રેન દસ મિનિટ માટે ફાટકની બહાર ઉભી રાખવી પડી. કારણ કે ટ્રાફિક કંટ્રોલ થતો ન હતો. મહા મહેનતે ટ્રાફિક કંટ્રોલ કરી ટ્રેન પસાર કરી.
શરૂઆતમાં જ્યારે સાંઢીયો પુલ બંધ કરવાની વાત હતી ત્યારે આ ફાટક વિશે વિચારણા થઈ જ હતી અને તે ડબલ પટ્ટી ફાટક થાય પછી જ બંધ કરવો તેવી તજજ્ઞોએ સૂચના પણ આપેલી પરંતુ કાયમ ઓવર કોન્ફિડન્સમાં રાચતા અધિકારીઓ આ વાતને ઘોળીને પી ગયા હોય તેમ અમે કરીએ તે જ સાચું ની તુમાખી સાથે આજે 15 મિનિટમાં ખબર પડી ગઈ કે ટ્રાફિકની અને લોકોની હાલત શું થાય? તાત્કાલિક અધિકારીઓને સ્થળ પર મિટિંગ માટે બોલાવવામાં આવ્યા જેમાં પોલીસ ખાતાના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર આવી અને પરિસ્થિતિ નજરે જોઈ. અડધી કલાકમાં પુલ ફરી ચાલુ કરવો પડ્યો.
આખી ઘટનામાં એક વાત નક્કી છે કે નવા પ્રોજેક્ટ માં લાગતા વળગતા અધિકારીઓને પૂરેપૂરો રસ છે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થામાં મગજ દોડાવવામાં કોઈ રસ નથી અને કા દીર્ઘદ્રષ્ટિનો અભાવ છે.
અધિકારીઓની મીટીંગ ચાલુ થઈ ગઈ છે કે હવે શું કરીશું? હાલ પરિસ્થિતિ એવી છે કે માત્ર ટુ-વ્હીલર માટે જ એ રસ્તો ખુલ્લો મૂકી શકાય તો રેલનગર બાજુ જતો રસ્તો અને સામે શીતલ પાર્ક તરફ જતા રસ્તા નો ચોક છે ત્યાંથી એવી કોઈ વ્યવસ્થા કરવી પડે કે માત્ર ટુ-વ્હીલર જ આગળ જઈ શકે. બાકીના વાહનો એ રેલનગર અંડર બ્રિજ થઈ અને ત્યાંથી પોપટ પરા વિસ્તાર ફરી અને જંકશન વિસ્તારમાં નીકળવું પડે.અન્યથા શીતલ પાર્ક જતા રસ્તા પર વાહનોએ ડાઈવર્ટ થઈ અને શહેર આખું ચીરી નીકળવું પડે. બે વર્ષની સાંઢીયા પુલ બનાવવાની હાલ સમય અવધી જાહેર કરી છે પરંતુ આ તો સરકારી કામ છે. એકાદ વર્ષ વધારે ગણી લેવાનું આ ત્રણ વર્ષ દરમિયાન લાખો વાહનો બે થી ત્રણ કિલોમીટર ફરી અને જશે જેનો પેટ્રોલ ખર્ચ સમયનો વ્યય વિગેરે ગણતરી મુકતા ત્રણથી ચાર સાંઢીયા પુલ ઊભા થઈ જાય.
સામાન્ય નાગરિકોને પૂછો તો એમને પણ ખબર પડે કે જેટલો ટ્રાફિક સાંઢિયા પુલ પર જામ થાય છે તે વૈકલ્પિક રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવે તો પરિસ્થિતિ શું થાય? આવી સામાન્ય વાત પણ તંત્રના મગજમાં કેમ બેઠી નહીં હોય?
હાલ તો 30 મિનિટ સાંઢીયો પુલ બંધ થયો અને તંત્રને ટ્રાફિક ક્લીયર કરતા પરસેવો વળી ગયો. ત્રણ વર્ષ આ પરિસ્થિતિમાંથી લોકો કઈ રીતે પસાર થઈ શકે અને દુરંદેશી વગરના પદાધિકારીઓને કારણે લોકોના સમયનો અને પૈસાના વ્યયનું શું સમજવાનું?
અડધી જ કલાકમાં રાહદારીઓ, વાહન ચાલકો અને ડાયવર્ઝન વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ભારે વાહન ચાલકો તો પહેલેથી જ પરેશાન હતાં પરંતુ હવે તો સાયકલ સવાર સુધીનાં લોકોમાં રોષ જોવા મળ્યો.
અડધી કલાક જે અફડાતફડી મચી ગઈ તે ઉપરથી એસીપી ટ્રાફિક ગઢવી સાહેબ ને વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આજે ટ્રાયલ આપવામાં આવી હતી.અને જે પરિસ્થિતિ ઊભી થઈ તે ઉપરથી નક્કી કરવામાં આવ્યું છે કે શહેરથી જામનગર તરફ જતા ફોર વ્હીલ વાહનો માટે ભોમેશ્વર ફાટક વાળો રસ્તો ખુલ્લો રહેશે. પરંતુ જામનગર બાજુથી આવતા વાહનો શહેરમાં પ્રવેશ કરવા માટે રેલ નગર અંડર બ્રિજ થઈ પોપટપરા થઈ અને જંકશન બાજુ નીકળવાનું રહેશે અને વિકલ્પે શીતલ પાર્ક થઈ અને 150 ફૂટ રીંગ રોડ પકડવાનો રહેશે.આમ ભોમેશ્ચર વાળો રસ્તો એક માર્ગી રહેશે. ટુ વ્હીલર માટે દ્વીમાર્ગી રસ્તો રહેશે.
હજુ આ પ્રયાસ પણ કેટલો સફળ જાય છે તે જોવાનું. ટૂંકમાં કહીએ તો સાંઢીયાનાં નહિ પણ તંત્રના અઢારેય વાંકા છે.