સુરતમાં પુષ્પાએ મચાવ્યો તરખાટઃ બગીચામાંથી બે ચંદનના લાકડા કાપી ગયો

સાઉથી ફિલ્મ પુષ્પામાં હીરો ગાઢ જંગલોમાંથી ચંદનના લાકડાની ચોરી કરે છે, પરંતુ સુરતમાં શહેરમાં આવેલા બગીચામાંથી ચોર બે ચંદનના ઝાડ કાપી રફુચક્કર થઈ ગયો હતો.
ચોક બજાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ગાર્ડનમાં રહેલા ચંદનના ઝાડની ગઈકાલ મોડી રાત્રે ચોરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ચોથી વખત આવી ઘટના બન્યાનું માલૂમ પડ્યું છે. આ ઘટનામાં તસ્કરો બે ઝાડ કાપીને ફરાર થઇ લઈ ગયા હતા.
સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા ગાંધી ગાર્ડન કે જે ઐતિહાસિક ગાર્ડન છે. આ ગાર્ડનમાં 25 કરતાં વધારે ચંદનના ઝાડ તંત્ર દ્વારા રોપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ત્રણ વખત ચંદનના ઝાડની ચોરી થયાની ઘટના બની ચૂકી હતી.
ત્યારે ફરી એક વખત તસ્કરો જ મોડી રાત્રે બાગમાં પ્રવેશી બે જેટલા ચંદનના ઝાડ કટર વડે કાપીને લઈ ગયાની ઘટના સામે આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, ગાર્ડનના મુખ્ય દરવાજા પાસેનું ઝાડ કાપવામાં આવ્યું છે. મુખ્ય દરવાજાથી 20 મીટરના અંતરે મેટ્રો ટ્રેનનું કામ ચાલતું હોવાને લઈ 24 કલાક મજૂરોની અવરજવર હોય છે અને 50 મીટરના અંતરે પોલીસ સ્ટેશન આવ્યું છે. છતાં પણ તસ્કરો અહીંયા આવીને ઝાડ કેવી રીતે કાપી ગયા અને ચંદનના ઝાડની સુરક્ષા માટે તંત્ર દ્વારા 24 કલાક સિક્યુરિટી અને સીસીટીવી મૂકવા છતાં પણ ફરી એક વખત ચોરીની ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે.