Salute: ફેરીવાળાને ધાકધમકી આપવા ગયેલી પોલીસે જ્યારે તેમની દીકરી વિશે સાંભળ્યું ત્યારે…
અમદાવાદઃ ખાખીનો વિકરાળ ચહેરો ઘણીવાર જોવા મળતો હોય છે. ડંડો ઉગામતી, પૈસા ઉઘરાવતી, ધાકધમકી આપતી અને ઘણીવાર રક્ષણ કરવાને બદલે રંજાડતી પોલીસ આપણે જોઈ છે, પણ અમદાવાદમાં પોલીસનો એક અલગ ચહેરો જોવા મળ્યો છે. અહીં પોલીસ જાણે દેવદૂત બનીને આવી હોય તેવી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
વાત છે અમદાવાદના પૂર્વીય વિસ્તાર ઈસનપુર પોલીસ (Isanpur Police) ની. અહીં પોલીસ સ્ટેશન નજીક આવેલા વિસ્તારમાં ટ્રાફિક જામ થતો હોવાથી પોલીસે અહીંના ફેરવાળાને સમન્સ આપ્યા હતા અને પોતાના પથારા ઉઠાવી લેવા જણાવ્યું હતું. આ ફેરીવાળામાંથી નાનકડા છોડના કુંડા વેચતો ફેરીવાળો મુકેશ કુશાવાહ ઊભો થયો ને બોલ્યો કે સાબહ તમારાથી જે થાય તે કરી લો પણ હું તો ધંધો અહીં જ કરીશ. Isanpur પોલીસ સ્ટેશનમાં બધાને કરંટ લાગ્યો હોય તેવું થયું. જોકે આમ કહેતા તે ગળગળો થઈ ગયો અને બોલ્યો કે ધંધો નહીં કરું તો મારી દીકરી મરી જશે. તેમની વાત સાંભળી અહીંના પીએસઆઈ આકાશ વાઘેલાએ તેમને પાણી પીવડાવ્યું અને શાંત કર્યો. તે બાદ તેમણે વિગતવાર માહિતી લીધી. મૂળ ઉત્તર પ્રદેશના મુકેશ કુશાવાહને ચાર દીકરી અને એક દીકરો છે. તેની એક સાત વર્ષની દીકરીને હૃદયમાં કાણુ છે અને તેની સર્જરી કરવાની છે. આથી પોતે દિવસરાત એક કરી કમાઈ રહ્યો છે, તેમ તેમે કહ્યું.
તેની વાત સાંભળી વાઘેલાનું હૃદય પીગળી ગયું અને તેમના મનમાં અનુકંપા જાગી. અગાઉ શાહીબાગ ખાતે ફરજ બજાવી ચૂકેલા વાઘેલાએ યુ એન મહેતા હૉસ્પિટલના ડોક્ટરો સાથે વાત કરી. ડોક્ટરોએ કહ્યું કે બાળકીની સર્જરી જેમ બને તે વહેલી કરવી પડશે અને પહેલી ફેબ્રુઆરીએ તેની સર્જરી થઈ. ઓપરેશન થિયેટર બહાર પણ પોલીસે હાજરી આપી અને બાળકીનો પ્રોગ્રસ રિપોર્ટ પણ હજુ લઈ રહી છે.
આકાશ વાઘેલાનો આ માનવીય ચહેરો કોરોનાકાળમાં પણ જોવા મળ્યો હતો. અમદાવાદ પોલીસ પોતાના સહકર્મીના આ કામથી ખુશ છે.