ખાખીની કર્તવ્યનિષ્ઠાને સલામ! એક હાથમાં ચડી રહ્યો છે બોટલ અને બીજા હાથે જ ફરજની કલમ: Video Viral

સુરત: પોલીસનું નામ પડતાં જ સામાન્ય માણસના મગજમાં એક નકારાત્મક છાપ ઉભી થાય પણ પોલીસનો એક અલગ જ ચહેરો સુરતથી સામે આવ્યો છે. જેની લોકો ખોબલે ખોબલે દાદ દઈ રહ્યા છે. સુરતના સરથાણાં પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર સતત ચાર દિવસ બીમાર હોવા છતાં રજા ન લીધી અને ફરજ પર પરસ્ત રહીને અન્યને પણ પોતાની ફરજને લઈને નવો દાખલો બેસાડ્યો છે. વળી તબીબી સારવારની જરૂર જણાતા ડોકટરને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સારવાર કરાવી હતી. જેનો હાલ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો છે. જ્યાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીક ફરજ બજાવતા છેલ્લા ચારેક દિવસથી મીનાબા ઝાલા બીમાર હોવા છતાં ફરજ છોડીને રજા રાખવાને બદલે પોતાની ફરજ પર જ રહ્યા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે પોલીસ સ્ટેશન પહોંચેલા ફરિયાદીઓએ જ્યારે પોલીસ અધિકારીનું ફરજ પ્રત્યેનું આ સમર્પણ જોયું ત્યારે તેમણે બનાવ્યો હતો.
સોશિયલ મીડિયા વિડીયો પોસ્ટ કરતાં યુઝર્સે લખ્યું હતું કે રાજ્યમાં જ્યારે ફરજ પરથી ગુમ થયેલા શિક્ષકોના કિસ્સાઓ ચર્ચામાં છે ત્યારે મીનાબાએ એક અલગ જ દાખલો બેસાડ્યો છે. પોસ્ટમાં કહ્યું હતું કે “આ મહિલા ઇન્સ્પેક્ટરને સલામ..! સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજી બજાવતા મહિલા PI મીનાબા ઝાલા બીમાર હોવા છતાં ફરજ પર આવે છે અને તેઓ પોલીસ સ્ટેશનમાં જ તબીબને બોલાવી સારવાર લઈ રહ્યા છે.”
આ વિડીયોને લઈને લોકો પોતપોતાના મતે પ્રતિભાવ આપી રહ્યા છે. લોકો તેમની નિષ્ઠાને જરૂર બિરદાવી રહ્યા છે પરંતુ વિડીયોને પબ્લિસિટી સ્ટંટ બતાવી રહ્યા છે. જો કે એક અન્ય યુઝર્સે કમેન્ટ સેકશનમાં લખ્યું હતું કે “કામ પ્રત્યેની નિષ્ઠા સારી વાત છે પણ તેનો પ્રચાર કરવો તે સારું નથી. શું પોલીસ સ્ટેશનમાં આવા વીડિયો બનાવવો નિયમ મુજબ છે?”