ઈમાનદારીને સલામ ! અજાણી બેગમાંથી મળેલા સાડા ત્રણ લાખ રૂપિયા કર્યા પરત….
સુરત: જમાનો બહું ખરાબ છે તેવી વાતોની વચ્ચે અમુક દાખલાઓ એવા પણ બને છે કે જ્યારે લાગે કે માનવતા હજુ પણ ક્યાંક જીવી રહી છે. આવી જ એક ઘટના સુરતના રાંદેરમાં બની છે. અહી એક યુવાનને 3.50 લાખ રૂપિયાની રોકડ મળી હતી. જો કે આટલી મોટી રકમ મળવા છતાં તેનું મન ડગ્યું નહોતું અને તેણે આ પૈસા તેના મૂળ માલિકને પહોંચાડીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરતના રાંદેરમાં એક યુવાને પોલીસને જણાવેલી વિગતો અનુસાર, મેકદાદ જાવેદ મેમણ નામના 23 વર્ષીય યુવકે 27 જૂનના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે 26 તારીખના રોજ તે પોતાના ધંધાના કામ માટેના રૂપિયા 3,50,000 ની રોકડ સાથે એટીએમમાં ગયો હતો અને આ સમયે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી તે એટીએમથી તાત્કાલિક બહાર આવી ગયો હતો અને પૈસા ભરેલી બેગ ત્યાં જ ભૂલી ગયો હતો.
આ પણ વાંચો : NEET Paper Leak કેસમાં CBI ની મોટી કાર્યવાહી, Gujarat માં 7 સ્થળોએ દરોડા, પત્રકારની પણ ધરપકડ
જો કે ઘરે ગયા બાદ તેને બેગ યાદ આવતા ફરીથી એટીએમ પહોંચીને તપાસ કરી હતી, જો કે ત્યાં પૈસા નહોતા મળ્યા. તેણે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરી હતી પરંતુ કઈ કઈ હાથ ન લાગતાં તેમણે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાદ પોલીસે CCTV તપાસતા એક વ્યક્તિ પૈસા લેતો જોવા મળ્યો હતો. પોલીસે તે વ્યાકતીનો સંપર્ક કરતાં તેણે પપોતાની ઓળખ જાહેર કરવાની ના કહી હતી અને તે પૈસા તેણે સાચવી રાખ્યા હોવાનું જણાવ્યું હતું.
આ બાદ તેમણે પૈસા પોલીસને પરત કર્યા હતા અને પોલીસ આ પૈસા જ્યારે તેના મૂળ માલિક મેકદાદ જાવેદ મેમણને પરત કર્યા ત્યારે તેની આંખો છલકી પડી હતી. આવી ઘટનાઓ આજે પણ માનવતા જીવે છે તેનું ઉદાહરણ છે.