ખેડૂતો ધ્યાન આપોઃ ગુજરાતમાં 20 જૂનથી મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
અમદાવાદઃ ગુજરાતભરમાં આગામી 20મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. જે અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 108 કરોડની કિંમતના 12,633 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ગત તા. 14મી જૂનથી ખેડૂતોની નોંધણી શરુ કરી દેવામાં આવી છે તેમ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું છે.
તેમના જણાવ્યા અનુસાર અત્યારે રાજ્યની વિવિધ એ.પી.એમ.સી. ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ ખેડૂતોની પડતર કિંમતની સામે અપેક્ષા કરતા થોડો ઓછો હોવાથી, રાજ્યના કોઇપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ઉનાળુ મગની પડતર કિંમત સામે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2023-24માટે મગ પાકનો ટેકાનો ભાવ રૂ. 8,558પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં મગ પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 45 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી રાજ્યની નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં. લિ. (ઈપીઓ) મારફત કરવામાં આવશે. મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી વીસીઈ મારફત નોંધણી કરાવી શકશે, જેના માટે ખેડૂતોએ કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહી.