અમદાવાદમાં મકાનોનું વેચાણ વધ્યું: સરકારને ₹ ૨૭૯૨ કરોડની આવક થઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર અને જિલ્લામાં એપ્રિલથી ૨૮મી નવેમ્બર, ૨૦૨૨માં ૧,૯૬,૦૨૧ દસ્તાવેજની રૂ.૨૧૨૯ કરોડ અને વર્ષ ૨૦૨૩માં ૨૨૧૫૯૮ દસ્તાવેજની ૨,૭૯૨ કરોડ આવક થઇ છે. આ સમયગાળામાં ૨૦૨૨ની તુલનામાં ૨૦૨૩માં પ્રોપર્ટીના દસ્તાવેજની સ્પેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશ ફીની આવકમાં રૂ. ૬૬૩ કરોડનો વધારો થયો છે.
ગતવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ૧૪ ટકા વધુ દસ્તાવેજ થયા છે. ચાલુ વર્ષે નવેમ્બર મહિના સુધીમાં પ્રતિદિન પ્રોપર્ટીના ૬૦૭ દસ્તાવેજ થયા છે. સરકારને ચાલુ વર્ષે એપ્રિલથી ૨૮મી નવેમ્બર મહિના સુધીમાં એક ટકો રજિસ્ટ્રેશન ફી પ્રમાણે ૪૨૩ કરોડ આવક થઇ હતી. વર્ષ ૨૦૨૨માં ૩૨૪ કરોડની આવક થઇ હતી. એટલે કે ગતવર્ષની તુલનામાં પણ રજિસ્ટ્રેશન ફીની રૂ. ૯૯ કરોડ આવક વધુ
થઇ છે.
ચાલુ વર્ષે સૌથી વધુ ૨૧૪૮૧ દસ્તાવેજ સોલામાં અને સૌથી ઓછા ૫૯૯૬ દસ્તાવેજ વેજલપુરમાં થયા છે. સરકારને એક ટકો રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયુટી મળી એપ્રિલથી ૨૮મી નવેમ્બર સુધીના સમયગાળામાં વર્ષ ૨૦૨૧માં ૧૬૪૦૫૫ દસ્તાવેજની ૧૭૩૪ કરોડ, વર્ષ ૨૦૨૨માં ૧૯૬૦૨૧ દસ્તાવેજની ૨૧૨૯ કરોડ અને વર્ષ ૨૦૨૩માં ૨૨૧૫૯૮ દસ્તાવેજની ૨૭૯૨ કરોડ આવક થઇ છે.