આપણું ગુજરાત

સજની હત્યા કેસ: અમદાવાદના વૃદ્ધાશ્રમમાં રહેતી ભાગેડુ તરુણ જીનરાજની માતા ભેદી સંજોગોમાં ગુમ


અમદાવાદમાં વર્ષ 2003ના વેલેન્ટાઈન ડે પર થયેલી સજની નાયરની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. સજની નાયરની હત્યાનો આરોપી પતિ તરુણ જીનરાજ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો, બાદ આ કેસમાં વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. અહેવાલો મુજબ અમદાવાદના મિર્ઝાપુરમાં આવેલા એક વૃદ્ધાશ્રમમાં રહેતી તેની માતા અન્નમ્મા ચાકો ગુમ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે 4 ઓગસ્ટના રોજ 15 દિવસ માટે વચગાળા જામીન પર જેલમુક્ત થયા પછી 47 વર્ષીય તરુણ જીનરાજના અદ્રશ્ય થઈ ગયો હતો.


બનાવની જાણકારી મુજબ વર્ષ 2003માં સજની નાયરની કથિત રીતે હત્યા કર્યા પછી તરુણ જીનરાજે તેના મિત્ર પ્રવિણ ભાટેલીની ઓળખ આપનાવી બેંગલુરુમાં નવું જીવન શરુ કર્યું હતું, નવી ઓળખનો ઉપયોગ કરી તેણે બીજા લગ્ન કર્યા અને બે છોકરાનો બાપ પણ બન્યો. તેણે નવી ઓળખ સાથે વિશ્વની સૌથી મોટી એન્ટરપ્રાઈઝ સોફ્ટવેર કંપનીઓમાંની એકમાં સીનીયર પોઝિશન પણ મેળવી હતી.


15 વર્ષ સુધી તરુણ જીનરાજ પોલીસની નજરથી છુપાયેલો રહ્યો, તેના ભૂતકાળ સાથેનો તેમનો એકમાત્ર સંબંધ તેમની માતા હતી. તેના કોર્પોરેટ ક્યુબિકલમાંથી તેણે અમદાવાદમાં રહેતી માતાને કરેલો એક ફોન કોલ અમદાવાદ પોલીસને ટ્રેક કરી લીધો હતો, ત્યાર બાદ વર્ષ 2018માં ગુજરાત પોલીસે તેને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.


તરુણ જીનરાજ ઑક્ટોબર 2018 થી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ હતો, આ વર્ષે ઑગસ્ટ મહિનામાં તેણે વચગાળાના જામીન મળ્યા બાદ એ પોલીસની નજરમાંથી ભાગી છૂટ્યો હતો હતો, હવે તેની માતા પણ વૃદ્ધાશ્રમમાંથી ગુમ થઇ જતા રહસ્ય ઘેરાયું છે. ગુજરાત પોલીસ હાલ તરુણ અને તેની માતાને શોધવા દોડધામ કરી રહી છે.


પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, તરુણ તેની માતાનો સંપર્કમાં સાધવાને કારણે પકડાયો હતો. હવે જ્યારે તે ફરીથી ગાયબ થઈ ગયો, ત્યારે અમારી તપાસ સ્વાભાવિક રીતે તેની માતા તરફ વળી હતી. જોકે, અમને જાણવા મળ્યું કે તે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં બેંગલુરુ ગઈ હતી. આ સમયગાળામાં જ તરુણ જીનરાજ ભાગી ગયો હતો. પોલીસે બે ટીમોને બેંગલુરુ મોકલી હતી પરંતુ તેને શોધવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.


ઉલ્લેખનીય છે કે તરુણ જીનરાજ છેતરપિંડી કરવામાં હોંશિયાર હતો, પત્નીની હત્યા બાદ 15 વર્ષ દરમિયાન તેણે ગુજરાત સાથેના તેના દરેક નિશાન ભૂંસી નાખ્યા હતા. જ્યારે તેની ધરપકડ કરવામાં આવી, ત્યારે જીનરાજ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કસ્ટડી દરમિયાન, તે અધિકારીઓને પૂછતો રહ્યો કે તેણે શું ભૂલ કરી હતી.


સુત્રોના જણવ્યા મુજબ આ વખતે ટેની માતાને તેની સાથે લઈ જઈને તેણે એક માત્ર ખામી દૂર કરી છે જેણે તેને છેલ્લી વખત જેલમાં પહોંચાડ્યો હતો.


તરુણ જીનરાજને 20 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા અને 4 ઓગસ્ટ, 2023ના રોજ તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેણે એ આધાર પર જામીન માંગ્યા હતા કે એ જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં તેના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાંથી નાણાનું સેટલમેન્ટ કરવાનું છે.


જીનરાજે જામીન પર મુક્ત થવા માટે અગાઉ અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. સેસન્સ કોર્ટમાં ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે જો આરોપીને જામીન પર છોડવામાં આવશે તો તે ભાગી જશે. ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં તેને જુલાઈમાં વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.


મહા મહેનતે પકડાયેલો આરોપી આમ ભાગી જતા ગુજરાત પોલીસની સજ્જતા પર સવાલો ઉભા કરે છે. જીનરાજને પકડી પોતાની શાખ બચાવવા ગુજરાત પોલીસ દરેક ઉપાયો અપનાવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button