આપણું ગુજરાત

AMC બજેટમાં મોટી જાહેરાત, રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ કાંઠે દોડશે AMTS…

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ કોઈને કોઈ ઈવેન્ટ યોજાતી હોય છે. જોકે રિવરફ્રન્ટ પર કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાથી લોકોએ ખાનગી વાહનોમાં આવવું પડે છે. રિવરફ્રન્ટના 9 કિમીના સ્ટ્રેચને 2012માં ખુલ્લો મુકવામાં આવ્યા બાદ પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને કાંઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ (AMTS) બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં આ રોડ પર માત્ર ખાનગી દ્વિચક્રી અને ફોર-વ્હીલર વાહનોને જ અવરજવરની છૂટ છે.

ક્યારથી શરૂ થશે આ સર્વિસ?

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વર્ષ 2026-27 માટે રજૂ કરવામાં આવેલા ₹991 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ગુરુવારે જાહેરાત કરવામાં આવી હતી કે, સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠે ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. જોકે, આ સર્વિસ ક્યારથી શરૂ થશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા જણાવવામાં આવી નથી.

બજેટમાં અમદાવાદમાં વર્ષ 2030 સુધીમાં AMTSના કાફલાની તમામ બસોને AC અને ઈલેક્ટ્રિક બનાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે 4 નવા મલ્ટીમોડેલ હબ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ હબ રિંગ રોડની બહારની સાઈડ અને શહેરની ચારેય દિશામાં બનાવવામાં આવશે. જેથી મુસાફરોને મેટ્રો, BRTS અને GSRTC સાથે સરળ કનેક્ટિવિટી મળી રહેશે.

બજેટમાં ડ્રાઈવરો માટે ખાસ ટ્રેનિંગ સેન્ટર બનાવવાની અને ઓન-રોડ બસોની સંખ્યા વધારીને મુસાફરોની પ્રતીક્ષા અવધિ ઘટાડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, હાલમાં દરરોજ અંદાજે 5.5 લાખ મુસાફરો AMTSનો લાભ લઈ રહ્યા છે, જે આંકડો આગામી સમયમાં વધારવાનું લક્ષ્ય છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button