આપણું ગુજરાત

Sabarmati Ashram: PM Modiએ સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) આજે ગુજરાતના ટૂંકી મુલાકતે છે. તેમણે દેશભરમાં 10 વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી અને 85 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ વડા પ્રધાન મોદી અમદાવાદના સાબરમતી(Sabarmati Ashram) પહોંચ્યા હતા, આજે દાંડી કુચ શરૂઆતની વરસી નિમિતે વડા પ્રધાને મહાત્મા ગાંધીની મૂર્તિને સુતરની આંટી પહેરાવી નમન કર્યા હતા. વડા પ્રધાને આશ્રમના પરિસરમાં એક છોડ પણ રોપ્યો હતો. આ પછી તેમણે લોકોને સંબોધિત કર્યા હતા.

વડા પ્રધાન મોદીએ કહ્યું, “બાપુના વિચારો, આદર્શ, મૂલ્યોને વિશ્વભરમાં ફેલાવવાનો અમારો સંકલ્પ છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ છે. 1200 કરોડના ખર્ચે સાબરમતી આશ્રમની કાયાપલટ કરવામાં આવશે. આશ્રમના ટ્રસ્ટી અને આશ્રમવાસીઓનો ખુબ ખુબ આભાર.”


તેમણે કહ્યું કે, ‘સ્વતંત્ર ભારતમાં પણ દાંડી કૂચની તારીખ નવા યુગની શરૂઆતની સાક્ષી બની છે. 12 માર્ચ, 2022ના રોજ દેશે આ સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી. અમૃત મહોત્સવે દેશમાં જનભાગીદારીનું એવું જ વાતાવરણ ઊભું કર્યું જે આઝાદી પહેલા જોવા મળતું હતું.”


સાબરમતી આશ્રમના મહત્વ અંગે વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “જે દેશ પોતાના વારસાની સંભાળ નથી રાખી શકતોએ પોતાનું ભવિષ્ય પણ સાચવી નથી શકતો. બાપુનો આ સાબરમતી આશ્રમ માત્ર દેશનો જ નહીં પરંતુ માનવજાતનો ઐતિહાસિક વારસો છે. આઝાદી પછી સત્તામાં આવેલી આવેલી સરકારોએ દેશના આવા વારસાને બચાવવા માટે ન તો વિચાર હતો કે ન તો તેમની રાજકીય ઇચ્છાશક્તિ હતી. એક તો ભારતને વિદેશી દ્રષ્ટિકોણથી જોવાની આદત અને બીજી બાજુ તુષ્ટિકરણની મજબૂરી. અતિક્રમણ, અસ્વચ્છતા, અવ્યવસ્થા વગેરેએ જેવા દુષણોએ આપણા વારસાને ઘેરી લીધા છે.”


સાબરમતી આશ્રમનું રી-ડેવલોપમેન્ટ રૂ.1200 કરોડના ખર્ચે કરવામાં આવશે. હાલમાં 5 એકરમાં ફેલાયેલા આશ્રમને 55 એકરમાં વિસ્તારવામાં આવશે. હાલની 36 ઈમારતોનું રીનોવેશન કરવામાં આવશે.


આશ્રમ પરિસરમાં કાફેટેરિયા, ઉદ્યોગ મંદિર, ઓરિએન્ટેશન સેન્ટરની બનવવામાં આવશે. ભાષા અનુવાદ કેન્દ્ર, પ્રવચનો અને પરિસંવાદોની વ્યવસ્થા કરવામાં આવશે. આર્કિટેક્ટ બિમલ પટેલે નવી ડિઝાઇન તૈયાર કરી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button