સાબરકાંઠા ભાજપમાં અસંતોષ યથાવત, સી આર પાટીલે પાટીલે મોડાસામાં કાર્યકરોને કરી આ ટકોર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ પાર્ટીના ટોચના નેતૃત્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. ભાજપ હાલ ક્ષત્રિય આંદોલન અને કાર્યકરો અને નેતાઓમાં આંતરિક અસંતોષનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં લોકસભાની તમામ 25 સીટો માટે આગામી 7 મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે અરવલ્લીના મોડાસામાં સી આર પાટીલે કાર્યકરો અને નેતાઓને ગર્ભીટ ટકોર કરી હતી.
આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે અરવલ્લીના મોડાસામાં બુથ સંમેલનમાં કાર્યકરોને નારાજગી દૂર મૂકીને કામ પર લાગવીની હાકલ કરી હતી. અરવલ્લીના મોડાસામાં ભાજપ દ્વારા પ્રમુખ બુથ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરોને સાબરકાંઠા લોકસભા બેઠક ટિકિટ અંગેની વાત કરતા કહ્યુ હતુ કે, જેમની નારાજગી છે તેઓ તેમની નારાજગી અહીં મૂકી જાય અને કામે લાગી જાય.
લોકસભાની ચૂંટણીમા કોઇ કચાસ ન રહે તેનુ ધ્યાન રાખવાનુ છે. બુથ પ્રમુખોએ મતદાન દિવસે વધુમા વધુ મતદાન થાય તેવો પ્રયાસ કરવાનો છે. લોકસભા ચૂંટણીમા ભાજપના ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે તેવા મક્કમતાથી પ્રયાસ કરવાનો છે.
સી આર પાટીલે વધુમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસે મહત્વકાંક્ષા હોવી જોઈએ, ધારાસભ્યથી લઈ તાલુકા પંચાયત જેવી ચૂંટણી લડવાની ઈચ્છા હોવી જોઈએ. પરંતુ જો ટિકિટ ન મળે તો જેને મળે તેને જીતાડવા માટે કામ કરવાનું હોય. પાટીલે કાર્યકરોને સૂચના આપતા કહ્યું કે, જો કોઈ બીજાને ટિકિટ મળે અને તમે નારાજ થઈ જાઓ તો તે તમારો અધિકાર નથી. કારણ કે, જે દિવસે તમને ટિકિટ મળશે તે દિવસે બીજા નારાજ થયા તો? માટે જો કોઈને નારાજગી હોય તો આજે અહીં જ તમારી નારાજગી મૂકીને જજો. વધુમાં કહ્યું કે, નારાજ થવાનો અધિકાર તમારી પાસેથી હું આજે લઈ લઉં છું.
ઉલ્લેખનિય છે કે સાબરકાંઠા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાની ઉમેદવારીને લઈ સમગ્ર જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં રોષ છે. બાદમાં મોડાસા ભાજપમાં ચાલી રહેલી લાંબા સમયથી નારજગી મુદ્દે સી આરી પાટીલે કહ્યું કે, કેટલાક લોકો નારાજ હતાં. જેમને પણ મનાવી લેવામાં આવ્યા છે. નારાજ થવાનો સ્વભાવ એ અધિકાર છે તેમજ માનવ વૃત્તિમાં નારાજગી હોય પરંતુ તે ક્ષણિક હોય છે, માટે તમામે નારાજગી મૂકી કામ પર લાગી જવાનું છે.