સાબર ડેરી બબાલઃ એક પશુપાલકના મોત બાદ પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો સામે ફરિયાદ…
જશુ પટેલના મેસેજ બાદ પશુપાલકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા

હિંમતનગરઃ સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતાં સોમવારે પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસની ટુકડી આવી જતાં પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી. પશુપાલકો બેકાબુ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. પોલીસ દ્વારા ટીયરગેસનો મારો ચલાવાયો હતો. આ દરમિયાન ઇડરના ઝીંઝવા ગામનો 42 વર્ષીય પશુપાલકનું મોત થયું હતું.
સાબર ડેરીમાં ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો વિરુદ્ધમાં નામજોગ અને એક હજાર લોકોના ટોળા સામે એફઆઈઆર નોંધાવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે 47 શખ્સોની અટકાયત કરી હતી. બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ પર લોકોને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સાબર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવી પશુપાલકો સાથે છેતરપિંડી કરી હોવાને લઈને જશુ પટેલ અને ધર્મેન્દ્રસિંહે સોશિયલ મીડિયા મેસેજ ફેલાવ્યા હતા. જેને લઈ મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પશુપાલકોની એવી ફરિયાદ હતી કે, અમને ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા. સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી હતી.
આ પણ વાંચો…સાબર ડેરી ભાવફેર વિવાદ: પશુપાલકોનો ઉગ્ર વિરોધ, તોડફોડ અને હાઈવે ચક્કાજામ…