રૂપાલાને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ બફાટ મોંઘો પડ્યો, ગોંડલ કોર્ટમાં માનહાનિની ફરિયાદ નોંધાઈ
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પુરુસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ દિનપ્રતિદિન વધી રહ્યો છે. રૂપાલાએ બે વખત જાહેરમાં માફી માગી હોવા છતાં ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાને લઈ અડગ છે. જો કે કેટલાક લોકો હવે કાનુની લડાઈ લડવા માટે પણ મેદાને પડ્યા છે, હવે રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ ગોંડલ કોર્ટમાં નોંધાઈ છે.
મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ચોરડી ગામમાં રહેતા અને વ્યવસાયે ખેડૂત હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલા વિરુદ્ધ ગોંડલ કોર્ટમાં માનહાનિની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી હર્ષદસિંહ ઝાલાનો સંબંધ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી સ્ટેટના રાજાના વંશજ સાથે હોવાનું કહેવાય છે. હર્ષદસિંહ ઝાલાએ પુરુસોત્તમ રૂપાલા વિરુદ્ધ આઇપીસીની કલમ 499 અને 500 મુજબ ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. આ કેસની વધુ સુનાવણી આગામી 23 એપ્રિલના રોજ થશે.
રૂપાલા સામે ફરિયાદ નોંધાવનારા હર્ષદસિંહ ઝાલાએ આ મામલે કહ્યું કે પુરુસોત્તમ રૂપાલાના વાણી વિલાસથી રાજા-મહારાજાઓનું માન સમાજમાં ઘટ્યું છે. હર્ષદસિંહ ઝાલાએ જણાવ્યું કે, પુરુષોત્તમભાઈ દ્વારા રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ બફાટ કર્યો છે. રૂપાલાના નિવેદનથી અમારી ભાવના આહટ થાય છે. નામદાર કોર્ટ દ્વારા અમારું નિવેદન લેવામાં આવ્યું છે. આગામી 23 એપ્રિલના રોજ કેસની વધુ સુનાવણી થશે. આગામી સુનવણીમાં અમે કોર્ટ સમક્ષ પુરાવાઓ રજૂ કરશું.
ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ગત તારીખ 24 માર્ચના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં પુરુસોત્તમભાઈ રાજા-મહારાજા વિશે બદનક્ષી ભર્યા શબ્દો વાપર્યા હતા. પુરુસોત્તમ રૂપાલા બોલ્યા કે અંગ્રેજો ભારતમાં ખૂબ રહ્યા. અંગ્રેજોએ દમન કરવામાં બાકી રાખ્યું નહોતું. મહારાજાઓ નમ્યા હતા. મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો, નહોતો વ્યવહાર કર્યો. ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, પુરુસોત્તમ રૂપાલાએ સત્તાની લાલચમાં રૂખી સમાજના મત મેળવવા માટે ક્ષત્રિય સમાજને નીચા બતાવ્યા હતા. રાજા-મહારાજાને હલકા ચીતરવામાં આવ્યા હતા. હીન કક્ષાના વાણી વિલાસને કારણે વીડિયો વાઈરલ થયો હતો.
ALSO READ : રૂપાલાના સમર્થનમાં આવ્યા પાટીદારો, રાજકોટમાં 200 પોસ્ટર લાગ્યાં, ક્ષત્રિય નેતાએ કરી આ અપીલ
ઉલ્લેખનિય છે અગાઉ પણ રાજકોટમાં રૂપાલા સામે ફરિયાદ નોંધાઈ હતી, રૂપાલાના બફાટથી નારાજ મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ખીજડિયાના રહીશ અને હાલમાં રાજકોટમાં આનંદ બંગલા ચોક પાસે સ્વાશ્રય સોસાયટી શેરી નં.4માં રહેતા આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલે એડવોકેટ સંજય પંડ્યા મારફત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં મૂળ અમરેલી જિલ્લાના ઇશ્વરિયા ગામના રહીશ પુરુસોત્તમ ખોડાભાઇ રૂપાલા સામે આઇપીસી કલમ 499 તથા 500 મુજબ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.