રૂપાલા વિવાદ: પદ્મિનીબા વાળાને સંકલન સમિતિમાં વિશ્વાસ નથી…
રાજકોટ: ક્ષત્રિય આંદોલનમાં એક નવો વળાંક આવી રહ્યાનો સંકેત મળી રહ્યો છે. ગતરાત્રિએ તબિયત બગડવાને કારણે પદ્મિનીબા વાળા એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલ. આજે પરસોતમ રૂપાલા વિરુદ્ધની મુહિમ અંતર્ગત અનશન પર ઉતારનાર પદ્મિનીબા વાળાના અન્નત્યાગ બાદ 14 દિવસ પછી અચાનક તેમના ગુરુ દ્વારા પારણાં કરી લીધા હતા.
હાલ તબિયતને કારણે પથારીવસ પદ્મિનીબા વાળાએ મહત્વનું નિવેદન આપ્યું હતું કે આંદોલન જુદા માર્ગે જઈ રહ્યું છે. સંકલન સમિતિએ કહ્યું હતું કે આંદોલનમાં કોઈ રાજકીય પક્ષ આવશે નહીં પરંતુ ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મા આશાપુરાના મંદિરે બહેનોને મળ્યા તો આ બીજો પક્ષ શા માટે દાખલ થયો. મને અને બીજા સત્ય માટે લડતા બહેનોને સંકલન સમિતિ સાઈડ ટ્રેક કરે છે. સમાજનો આંદોલન હવે રાજકીય રંગ પકડતું જાય છે બહેનો દીકરીઓનો આ પ્રશ્ન ઠંડો પડતો જતો હોય તેવું લાગી રહ્યું છે એટલે હાલ હું સંકલન સમિતિ સાથે છું પણ ભવિષ્યમાં ક્યાં સુધી સંકલન સમિતિ સાથે રહીશ તે કહેવું મુશ્કેલ છે.
આમ ક્ષત્રિય આંદોલન માં કંઈક નવું થવા જઈ રહ્યું છે. રાજકીય વિશેષજ્ઞ તો ત્યાં સુધી ટિપ્પણી કરે છે કે અમિત શાહ ની ગુજરાતમાં એન્ટ્રી થતાં જ આંદોલન બે દિવસમાં સમેટાઈ જાય તો નવાઈ નહીં. આ અંગે ક્ષત્રિય આગેવાન નો સંપર્ક કરવાનો મીડિયાએ શરૂ કર્યું છે જોઈએ આવનારો સમય આંદોલનને કઈ બાજુ લઈ જાય છે. આમ જોવા જઈએ તો પદ્મિની બા વાળા સંકલન સમિતિના હોદ્દેદારો પરત્વે નારાજગીની લાગણી અનુભવી રહ્યા છે. સમાજ પ્રત્યેની લાગણી દેખાડતા તેમણે કહ્યું હતું કે હું સમાજ સાથે જ છું.