રૂપાલા વિવાદ: કાલ સુધીમાં ઘીના ઠામમાં ઘી પડી જાશે, રૂપાલા માટે સારા સમાચાર છે…

રાજકોટ: છેલ્લા ઘણા સમયથી પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનથી મોટો હોબાળો મચ્યો છે અને આંદોલનનો વિસ્તાર વધતો જાય છે. તો સામે ડેમેજ કંટ્રોલના પ્રયત્નો પણ પુરજોશમાં ચાલી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ક્ષત્રિય આંદોલન બળવત્તર બન્યું છે તો સામે ક્ષત્રિય આંદોલનના નેતાઓ સમાધાનકારી વલણ તરફ વળ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાએ પણ 16 તારીખે ભવ્ય સભાના આયોજન બાદ ફોર્મ ભરવાના સંકેત આપી દીધા છે.
આ સમાચાર પછી અમુક પ્રશ્નો સ્વાભાવિક છે કે લોકોના મનમાં આવે તો શું ક્ષત્રિય લોકો વાત જતી કરી અને સમાધાન કરી લેશે? આંદોલનકારી ક્ષત્રિયો હવે તેમના નેતાઓ ની વાત માની અને રૂપાલા અને માફ કરી શકશે? અત્યાર સુધી જે ક્ષત્રિય નેતાઓએ સૌને ભરી વાતો કરી તે શાંતિપૂર્ણ વાતો કરવા માટે કયા મુદ્દા ને લઈ અને પ્રેરાયા?
આ આંદોલનમાં વિપક્ષની ભૂમિકા સ્વાભાવિક છે કે રહેલી જ હોય, પરંતુ તેથી વિશેષ રોજબરોજ સાથે રહેતા અને પક્ષની અંદર વર્ચસ્વ ધરાવતા કેટલાક લોકો પણ સામેલ છે. તેઓના રિપોર્ટ પણ ઉપર સુધી પહોંચી ગયા છે. જોવાનું એ રહ્યું કે અંદર રહેલા અને પક્ષને નુકસાન કરતા નેતાઓ તરફ મોવડી મંડળનું વલણ કેવું રહેશે?
આ પણ વાંચો: પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં હવે જામનગર ભાજપના આ નેતાએ ઝંપલાવ્યું, ઉમેદવારી પાછી ખેંચવા લખ્યો પત્ર
આજે ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય નેતા આઈ કે જાડેજા તથા પાટીદાર નેતા ની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન છે એ ઉપરાંત જુદા જુદા શહેરોમાં ક્ષત્રિય સંગઠનો સક્રિય થઈ અને આગામી રણનીતિ ઘડી રહ્યા છે.
હાલ ક્ષત્રિય લોબીમાં પણ બે ભાગ પડી ગયા હોય તેવું સંભળાઈ રહ્યું છે કારણ કે જે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા ક્ષત્રિયો છે તે ખુલીને વિરોધ કરી શકતા નથી અને બીજા તરફે અમુક સંગઠનો ખૂલીને બહાર આવ્યા છે.
જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થતી નથી તો આગામી રણનીતિ શું હશે તે અંગે પણ ક્ષત્રિય સમાજ વિચારી રહ્યો છે પરંતુ જો આવતીકાલ સુધીમાં ક્ષત્રિય સમાજ આંદોલનના નેતાઓ સમાધાનકારી વલણ અપનાવે અને પુરુષોત્તમ રૂપાલાને માફી મળી જાય તો રણનીતિ શું હોઈ શકે તે અંગે પણ અમુક સંગઠનો વિચારી રહ્યા છે.
આ પણ વાંચો: પાટીદાર સમાજ રૂપાલાના પડખે, સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનર
એક વાત તો નક્કી છે કે ક્ષત્રિય સમાજ અને રૂપાલા વિવાદ ચૂંટણીના મૂળભૂત મુદ્દાઓને ભૂલવાડવામાં સફળ રહ્યું છે.
પુરુષોત્તમ રૂપાલા ને ઉમેદવારી પત્ર ભર્યા પછી પણ પોતાના વિરુદ્ધમાં પક્ષમાંથી જ કોણ પ્રવૃત્તિ કરી રહ્યું છે તે શોધવા કમર કસવી પડશે શરૂઆતમાં એક બે નેતાઓના નામ સંભળાતા હતા પરંતુ હવે કે પી એલ એટલે કે કમલમ પ્રીમિયમ લીગ શરૂ થઈ ગઈ હોય તેમ આખી ઇલેવન બની ગઈ છે.
ક્ષત્રિય સમાજના આગેવાનો સમાધાન કરી વલણ અપનાવ્યા પછી પણ નીચે લગી ક્ષત્રિયો આ અસ્મિતા પર થયેલ ઘા ને ભૂલી શકશે કે કેમ? અને ભાજપ સાથે રહેશે કે કેમ? તે પ્રશ્ન પણ વિચારવો રહ્યો.