રુપાલાએ માફી માગી પણ ભાવનગરમાં વિરોધના સૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગરઃ કેન્દ્રીય પ્રધાન અને આગામી લોકસભાની ચૂંટણીમા ભાજપ દ્વારા રાજકોટ બેઠક પરથી જાહેર કરેલ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રજવાડા વિશે બોલાયેલા શબ્દોને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધની આંધી રાજ્યભરમાં ઉઠી છે.
જેના ભાગ રૂપે ગોહિલવાડના તળાજા ખાતે પુરુષોત્તમ રૂપાલાનું પૂતળું તળાજા ક્ષત્રિય સમાજ દ્વારા બાળવામાં આવ્યું હતું. પુરુષોત્તમ રૂપાલા હાય હાયના નારાઓ લાગ્યા હતા. ગોંડલ ખાતે સમાધાનની જે ફોર્મ્યુલા ચાલી રહી છે તે મામલે અગ્રણીઓએ એવી પ્રતિક્રિયા આપી હતી કે તે સમાધાન અમને મંજૂર નથી.
આ કાર્યક્રમમા આગેવાનોનો સૂર હતો કે ભાજપ સાથે વાંધો નથી. રૂપાલાને ભાજપ ટિકિટ ન આપે એટલી જ અમારી માગણી છે. આ સમયે પક્ષને કોરાણે મૂકીને સમાજને પ્રાધાન્ય આપવા માટે ભાજપ સાથે સંકળાયેલા જાણીતા ચહેરાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર ઝોન કરણીસેનાના અધ્યક્ષ રાજભા ગોહિલ (સોસિયા)એ જણાવ્યું હતુ કે ભાજપ સાથે અમારે કોઈ જ વાંધો નથી. રૂપાલાના બદલે બીજા કોઈ પણને ઉમેદવાર તરીકે જાહેર કરી દેતો અમો વિરોધ બંધ કરી દઈશું.
જો તેમ નહિ થાય તો આગામી સમયમાં ગોહિલવાડ રાજપૂત સમાજના અધ્યક્ષ સ્થાને જિલ્લાના દરેક તાલુકાના પ્રમુખ, અગ્રણીઓ સાથે બેઠક કરીશું. ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર આપીશુ. તેમ છતાંય ભાજપ ઉમેદવાર નહિ બદલે તો રાજ્યની ૨૬ બેઠક પર ભાજપના હરીફ ઉમેદવાર તરફેણ મતદાન કરવા માટે કાર્યવાહી કરીશું.