આજે નોમની રાતે યોજાશે પરંપરાગત પલ્લીનો મેળો: રૂપાલમાં વહેશે ઘીની નદીઓ!
ગાંધીનગર: નવરાત્રીને લઈને ગુજરાતમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે પરંતુ નવમા નોરતે ગાંધીનગર નજીકના રૂપાલમાં વર્ષોથી યોજાતી પરંપરા ગત પલ્લીના મેળાનું વિશેષ આકર્ષણ રહે છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયિની માતાના પ્રાંગણમાં પલ્લીનો મેળો યોજાય છે, નવમા નોરતે રાત્રીના બાર વાગ્યા આસપાસ વરદાયીની માતાની પલ્લી નીકળશે જેના પર ભક્તો હજારો કિલો ઘી ચડાવશે.
નવરાત્રીના નવ દિવસ સુધી મા નવદુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ગુજરાતના આગવા અને ભાતીગળ તહેવારની દેશ અને દુનિયામાં ખાસ નામના છે. નોરતામાં આખા ગુજરાતમાં ગરબાની રમઝટ જામે છે પરંતુ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નિકળે છે. રૂપાલ ગામે નીકળતી પલ્લી દરમિયાન રીતસરની ઘીની નદીઓ વહે છે. આજે છેલ્લા નોરતે 11 ઓકટોબરના રોજ રૂપાલમાં પલ્લીનો મેળો યોજાશે, જેમાં ભક્તોનું કીડિયારું ઉભરાશે.
મહાભારત કાળથી છે મહત્વ:
ગાંધીનગર નજીકના રૂપાલમાં આવેલા વરદાયીની માતાના મંદિરનું છેક મહાભારત કાળથી મહત્વ રહેલું છે. મંદિરનો સબંધ મહાભારત સાથે જોડાયેલો છે, કહેવાય છે કે પાંડવો તેના ગુપ્તવાસને પૂર્ણ કરીને ખીજડાના વૃક્ષની નીચે સંતાડેલા પોતાના શસ્ત્રો લેવા આવ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ આસો સુદ નૌમના દિવસે કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી, તેની ઉપર પાંચ કુંડની સ્થાપના કરી હતી અને ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ પરંપરાને કાયમ રાખવા પલ્લી કાઢવામાં આવે છે.
તમામ જ્ઞાતિઓથી પૂર્ણ થાય છે પલ્લીનો મેળો:
દરવર્ષે યોજાતા પલ્લીના મેળામાં લાખોની સંખ્યામાં માઈભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. આ દરમિયાન રૂપાલમાં ભક્તોનું હૈયે હૈયું દળાય છે. વળી આ વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે. વાણંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાન્દે છે અને મુસ્લિમ પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પુરી છે. જ્યારે પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે. તો પંચોલ સમાજના લોકો માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે. ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે.