સફેદ LED લાઈટ્સ પર RTOની લાલ આંખ: 12 દિવસની ડ્રાઈવમાં 3000થી વધુ લોકો ઝપટે, અમદાવાદ મોખરે

અમદાવાદઃ વધતા અકસ્માતોનું એક કારણ આંખો આંજી દેતી સફેદ એલઈડી લાઈટ્સને પણ માનવામાં આવે છે, આવી લાઈટ્સના ઉપયોગને રોકવા માટે રાજ્ય પરિવહન વિભાગે નિર્દેશ જાહેર કર્યા હતા. પોતાના વાહનોમાં લગાવેલી ગેરકાયદે LED લાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં 3094 વાહનચાલકો દંડાયા હતા.
સમગ્ર ગુજરાતમાં હાઇ-ઇન્ટેન્સિટી એલઇડી લાઇટનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે અન્ય લોકો વિઝિબિલિટી ઓછી થઈ જાય છે અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવેલી આ ઝુંબેશમાં રાજ્યના 3094 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદમાં 260 વાહનચાલકોને, અમદાવાદ પૂર્વમાં 85 વાહનચાલકોને, આણંદમાં 40 વાહનચાલકોને, ARTO બાવળામાં 133 વાહનચાલકોને, ARTO મોડાસામાં 104 વાહનચાલકોને, વલસાડમાં 288 વાહનચાલકોને, સાબરકાંઠામાં 20 વાહનચાલકોને, ખેડામાં 46 વાહનચાલકોને, મહેસાણામાં 170 વાહનચાલકોને, વડોદરામાં 168 વાહનચાલકોને, ગાંધીનગરમાં 95 વાહનચાલકોને, સુરેન્દ્રનગરમાં 48 વાહનચાલકોને અને કચ્છમાં 136 વાહનચાલકોને ચલણ મોકલવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં વ્હાઇટ એલઈડી લાઈટ્સ રાખનાર વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ અનુસાર વર્ષ 2026ના આરંભના 28 દિવસમાં 275 કેસ નોંધવામાં આવ્યા હતા અને રૂ. 2.75 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.



