આપણું ગુજરાત

એક તો ગરબાનો ઉજાગરો અને ધોમધખતી બપોરે ધરમ ધક્કા : RTOનાં તમામ ડ્રાઈવિંગ ટેસ્ટ 3 દિવસના સ્લોટ રિ-શિડ્યુલ

ગુજરાતભરની આરટીઓ કચેરીમાં એક જ સર્વર દ્વારા ડ્રાઇવિંગ લાઈસન્સ માટેની ટેસ્ટ લેવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે આરટીઓના સર્વરમાં ખામી સર્જાતા ગઈકાલે અને આજે (4 ઓક્ટોબર) ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા લાઇસન્સના ટેસ્ટની કામગીરી બંધ રહી હતી. તો આવતીકાલે (5 ઓક્ટોબર) પણ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે તેવી જાણકારી આરટીઓ અધિકારી દ્વારા આપવામાં આવી છે. RTO સર્વરના ધાંધિયાને કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ત્રણ દિવસના સ્લોટ રિ-શિડ્યુલ કરવામાં આવ્યાં છે. આ સાથે જ અરજદારોને આરટીઓ દ્વારા અપીલ કરાય છે કે, રિ-શિડ્યુલ અંગેની માહિતી આપના રજીસ્ટર મોબાઇલ નંબર પર મળશે, જેથી આરટીઓ કચેરીએ ધક્કો ન ખાવો.

બે દિવસથી આરટીઓના સર્વરમાં ધાંધિયા

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં આવેલો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનું કોઇ રણી- ધણી નાં હોવાનું સામે આવ્યું છે . લાંબા સમયથી કોઈપણ એજન્સીને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં નથી આવ્યો તો આરટીઓના ઇન્સ્પેક્ટરો અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરો પોતાની રીતે મેન્ટેનન્સ કરે છે. જોકે, હવે તો ડ્રાઈવિંગની ટેસ્ટ આપતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં પણ ખામી સર્જાઈ રહી છે. આ સમસ્યાનો કયારે ઉકેલ આવશે તે ખબર નથી, પરંતુ ગુરુવારે ટ્રેક બંધ રહ્યા બાદ આજે પણ ટ્રેક બંધ રહ્યો છે. આ સાથે જ આવતીકાલે પણ ટ્રેક બંધ રહેવાની જાણકારી મળી રહી છે અને આ ટ્રેક ક્યાં સુધી બંધ રહેશે તેની હાલ કોઈ માહિતી નથી.

આ પણ વાંચો : ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસઃ ગાંધીનગરમાં વિવિધ જાહેર કાર્યક્રમો

અમદાવાદ RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સર્વર બંધ રહેતા અનેક અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. આ સાથે જ 400થી વધુ અરજદારોની સ્લોટ રિ-શિડ્યુલ થતાં ફરી ધક્કો ખાવો પડશે. આજેપણ ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેવાની માહિતી અરજદારોને ટેક્સ્ટ મેસેજ દ્વારા આપી દેવામાં આવી હતી. તેમ છતાં કેટલાક અરજદારોએ તે મેસેજ ન જોયો હોવાથી તેમના અપોઈન્ટમેન્ટના સમય ઉપર RTO કચેરી ખાતે આવી રહ્યા હતા. હજુ પણ આવતીકાલે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે કે બંધ? તેની સ્થિતિ અંગે અમદાવાદ RTO અધિકારી પાસે હાલમાં કોઈ ચોક્કસ માહિતી નથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button