આપણું ગુજરાત

PMJAY હેઠળ ગુજરાતની હોસ્પિટલોના રૂ.300 કરોડના ફસાયા, હોસ્પિટલો નાદારીને આરે

ગાંધીનગર: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ આવતી રાજ્યની 789 ખાનગી અને ચેરિટેબલ હોસ્પિટલોના PMJAY એમ્પેનલ્ડ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ગુજરાત (PEPHAG) એ રાજ્ય સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે PMJAY હેઠળ આશરે રૂ. 300 કરોડનાં બાકી લેણાંની ચુકવણી કરવાની બાકી છે, એસોસિએશને સરકારને બાકી રકમની ચૂકવણી કરવાની સાથે ભવિષ્યમાં સમયસર ચૂકવણી કરવા વિનંતી કરી છે.

એક અખબારી અહેવાલ મુજબ રાજ્યની વિધાનસભામાં આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે ડેટા લોસ અને અનમેપ અથવા બ્લોક થઇ ગયેલા PMJAY કાર્ડ્સને કારણે ચૂકવણીમાં વિલંબ થઇ રહ્યો છે.

પત્રકારો સાથે વાત કરતા PEPHAGના પ્રવક્તા આક્ષેપ કર્યો હતો કે સરકારે છેલ્લા બે વર્ષથી સ્કીમ હેઠળ પેન્ડિંગ બિલ ચૂકવ્યા નથી. એસોસિએશને કહ્યું કે ઘણી ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો આના કારણે નાદારી નોંધાવાને આરે છે.


PEPHAGએ કહ્યું કે વિવિધ સરકારી અધિકારીઓને અનેક રજૂઆતો કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને 27 નવેમ્બર, 2023ના રોજ, ગુજરાતના આરોગ્ય પ્રધાનને 8 ઓગસ્ટ, 2022, 11 નવેમ્બર 2023, 2 ફેબ્રુઆરી 2024ના રોજ પત્રો લખવામાં આવ્યા હતા. 8 ઓગસ્ટ, 2022, 16 ઑક્ટોબર, 2023 અને 6 ફેબ્રુઆરી 2024ના રોજ મુખ્ય પ્રધાનને પણ પત્રો લખવામાં આવ્યા હતાં, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. આરોગ્ય કમિશનરને પણ રજૂઆતો કરવામાં આવી હોવાનું એસોસિએશને જણાવ્યું હતું.

એસોસિએશને જણાવ્યું કે “જ્યારે અમે વીમા કંપનીનો સંપર્ક કર્યો, ત્યારે તેઓએ કહ્યું કે તેઓ સરકાર દ્વારા ફંડની રાહ જોઈ રહ્યા છે. જ્યારે સરકારી અધિકારીઓને અમારી રજૂઆતોનો કોઈ લેખિત જવાબ મળ્યો નથી, અમને મૌખિક ખાતરી આપવામાં આવી હતી કે ચૂકવણી કરવામાં આવશે પરંતુ હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નથી.”

કોંગ્રેસના વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા ઉઠાવવામાં આવેલા પૂરક પ્રશ્નના જવાબમાં, પટેલે વિધાનસભાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની BIS (બેનિફિશરી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) માંથી ડેટા શેરિંગ દરમિયાન ડેટા લોસ થવાને કારણે, આ સમસ્યા થઇ છે. બ્લોક કરેલ PMJAY કાર્ડને કારણે, પરિવારના અન્ય સભ્યોના નામ પર બુક કરાયેલા ક્લેમ પ્રોસેસ થઇ શક્યા નથી, જેને કારણે આ સમસ્યાઓ પેદા થઇ છે. સરકારે ક્લેઇમની ઝડપી ચુકવણી માટે બેઠકો યોજી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button