પીડિતાએ રૂ.24 લાખના સમાધાન બાદ ફાર્માસ્યુટિકલ્સ કંપનીના CMD સામે કેસ દાખલ કર્યો: પોલીસ
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે જાણીતી ફાર્માસ્યુટિકલ્સ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) સામે બળાત્કારની એફઆઈઆર નોંધવા માટે બલ્ગેરિયન મહિલાની અરજીની સુનાવણી કરી હતી, સુનાવણીમાં રાજ્ય સરકારે અરજીની વિરોધ કર્યો હતો, સરકારે અરજીને “પ્રોક્સી અથવા સ્પોન્સર્ડ” ગણાવી હતી.
સરકારી વકીલે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે 27 વર્ષીય ફ્લાઇટ એટેન્ડન્ટ ફરિયાદીએ વિવાદનું સમાધાન કર્યું હતું અને તેને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. શહેર પોલીસે દાવો કર્યો હતો કે ગુજરાત સ્થિત ફાર્મા કંપનીના સીએમડી સામે બળાત્કાર અને છેડતીની ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન મહિલાએ કંપની સાથે રૂ. 24 લાખમાં સમાધાન કર્યા બાદ અને પૈસા સ્વીકાર્યા બાદ ફરિયાદ દાખલ કરી હતી.
બીજી તરફ મહિલાના વકીલે દાવો કર્યો હતો કે સેટલમેન્ટ થિયરી ઉપજાવી કાઢવામાં આવી હતી અને તેના પગારની બાકી રકમના ભાગરૂપે આ રકમ ચૂકવવામાં આવી હતી. વકીલે વધુમાં એવી દલીલ કરી હતી કે જે મહિલાને વિદેશથી નોકરી પર રાખવામાં આવી હતી તેની સાથે ગુલામ જેવું વર્તન કરવામાં આવ્યું હતું અને એફઆઈઆર દાખલ થયા પછી પણ તેનું શારીરિક શોષણ ચાલુ રહ્યું હતું.
ફાર્મા ટાયકૂનના ખાનગી જેટમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતી બલ્ગેરિયન મહિલા દ્વારા દાખલ કરાયેલા કેસની સુનાવણીની અધ્યક્ષતા જસ્ટિસ એચડી સુથારે કરી હતી. યુવતીએ આરોપ લગાવ્યો છે કે કંપનીના CMDએ દેશભરમાં બિઝનેસ ટ્રીપ દરમિયાન તેની સાથે બળાત્કાર કર્યો અને પજવણી કરી હતી.
મહિલાના વકીલે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે એવા બહાના હેઠળ કેસને ખોટી રીતે બંધ કરી દીધો હતો કે સમાધાન કરવામાં આવ્યું હતું અને મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ આનો અહેવાલ રજૂ કર્યો હતો. કોર્ટે એફઆઈઆર દાખલ કરવાની અરજીને નકારી કાઢી હતી.
વકીલે કહ્યું કે ફરિયાદી મહિલાએ સૌપ્રથમ પોલીસનો સંપર્ક કર્યો હતો મહિલા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા જોઈએ. મહિલાને કેસ આગળ ન વધારવા માટે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. મહિલા ACPએ પણ તેના પર સમાધાન કરવા અને કેસ આગળ ન વધારવા દબાણ કર્યું.
તેનું ઓડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે. જસ્ટિસ એચડી સુથારે અરજદાર અને સરકારી વકીલ બંનેને ઘટના સંબંધિત ચોક્કસ પ્રશ્નો પણ કર્યા હતા.
સરકારી વકીલ મિતેશ અમીને રજૂઆત કરી હતી કે મહિલાએ પોલીસ કમિશનરને મેઇલ કરીને ફરિયાદ કરી હતી અને તપાસ મહિલા સેલને સોંપવામાં આવી હતી. નિવેદન આપવા માટે તેને ઘણી વખત બોલાવવામાં આવી હતી અને આખરે, તેણીને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા રૂ. 24 લાખ મળ્યા અને સમાધાનની એફિડેવિટ પર સહી કરી. બાદમાં જ્યારે મહિલાએ એફઆઈઆર દાખલ કરવાના નિર્દેશ માટે મેજિસ્ટ્રેટનો સંપર્ક કર્યો ત્યારે તમામ હકીકતો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી અને આવા રેકોર્ડના આધારે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.