પાવાગઢ બાદ અંબાજીમાં ચાર દિવસ સુધી રોપ વે સેવા રહેશે બંધ
અંબાજી: ગુજરાતનું પ્રસિધ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી એ દેવી ભક્તોનું ખૂબ જ મોટું આસ્થાનું સ્થાન છે. શક્તિપીઠ હોવાના લીધે અહી દૈનિક હજારો માઈભક્તો મા અંબાના ચરણે શીશ નમાવવા આવતા હોય છે. હાલ ચોમાસાની ઋતુમાં તો અરવલ્લી પર્વતમાળા સોળે કળાએ ખીલી ઉઠે છે તેવા સમયે અહી ખૂબ જ પ્રવાસીઓ ઉમટી પડે છે. જો કે ગબ્બર પર્વત પર આગામી ચાર દિવસ સુધી રોપવે સુવિધા બંધ રહેવાની છે.
આગામી તારીખ 30 જુલાઇથી લઈને 02 ઓગષ્ટ સુધી ગબ્બર પર્વત પર રોપ વેની સુવિધા બંધ રહેશે. આ 4 દિવસ સુધી સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ દરમિયાન રોપ વેની મેન્ટેનન્સ કામગીરીને લઈને રોપ વેની સર્વિસ બંધ કરવામાં આવતી હોય છે. જો કે કામગીરી પૂર્ણ થયા બાદ આઅ સેવાને પૂર્વવત જ શરૂ કરી દેવામાં આવશે.
અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું જગત વિખ્યાત શક્તિપીઠ અંબાજી ખૂબ જ ખ્યાત છે. મા અંબાના ધામમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવવા આવે છે. અરવલ્લી પર્વતમાળાની ગોદમાં હોવાથી ચોમાસાની ઋતુમાં અહી ખૂબ જ પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ ભાવિકો ગબ્બર પર્વત પર આવેલા ગોખમાં માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જતાં હોય છે. અહી ચઢવાના પગથિયાંનું ચઢાણ કઠિન હોવાથી રોપવે ખૂબ જ ઉપયોગી થાય છે.
ઉલ્લેખનીય છે કે આગામી 5મી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ દરમિયાન મેન્ટેનન્સને કારણે મહાકાળી મંદિરે પહોંચવા રોપ-વે સુવિધા બંધ રાખવામાં આવી છે. અને 11મી ઓગસ્ટથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. માચીથી ડુંગર સુધીની યાત્રા પગપાળા અને રોપ-વે દ્વારા કરવામાં આવે છે. ત્યારે આગામી શ્રાવણ સુદ-01 એટલે કે શ્રાવણ મહિના પહેલા દિવસથી શ્રાવણ સુદ-06 સુધી યાત્રાળુઓ માટે રોપ-વે સેવા બંધ રહેશે.