આમ કે આમ: ગુજરાતના લોકો આ રીતે કરી રહ્યા છે પૈસા અને વીજળીની બચત
સૂર્યદેવતા રોજ તપે છે અને વિશ્વને પ્રકાશ આપે છે. જોકે ગુજરાતના ઘણા પરિવારો આ પ્રકાશનો ખાસ ઉપયોગ કરી રહ્યા છે. સૌર ઊર્જા સોલાર પેનલ દ્વારા ગુજરાતના ઘણા પરિવારો વીજળી અને પૈસા બન્નેની બચત કરી રહ્યા છે. દેશમાં સૌથી વધારે સૌરઊર્જાનો ઉપયોગ ગુજરાતમાં થતો હોવાનું એક અહેવાલ જણાવે છે.
ગુજરાતમાં સોલાર પેનલની લોકપ્રિયતા વધતી જાય છે. અગાશી પર સોલાર પેનલ લગાવીને લોકો વીજ ઉત્પાદન કરી રહ્યા છે અને માસિક વીજબિલમાં પણ કમસે કમ 1000 રૂપિયાનો ઘટાડો કરે છે. આ ઉપરાંત તેઓ વધારાની વીજળી ગ્રીડમાં પરત આપી રહ્યા છે. સોલર પેનલ પર મળતી ભારે સબસિડીના કારણે લોકપ્રિયતા વધી છે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સોલાર પેનલ ઈન્સ્ટોલ કરાવનારા 43 ટકા ઘરોમાં લાઈટબિલમાં મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. ગુજરાતમાં માત્ર શહેરો જ નહીં પરંતુ નાના ગામડાં પણ રુફટોપ સોલાર પેનલ લગાડવામાં બહુ આગળ નીકળી ગયા છે.
વડોદરાની એમ એસ યુનિવર્સિટી અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ના તાજેતરના અભ્યાસમાં આ હકીકત બહાર આવી છે. આ અભ્યાસમાં રૂફટોપ સોલાર પેનલની સ્કીમ કેટલી સફળ રહી છે અને તેનાથી લોકોને કેટલો ફાયદો થયો તેનો અંદાજ કાઢવામાં આવ્યો છે. શનિવારે અમદાવાદ ખાતે નેશનલ કોન્ક્લેવ ઓન સોલાર રૂફટોપમાં આ ડેટા જાહેર કરવામાં આવ્યો હતો.
અત્યારે ગુજરાતમાં સોલાર પેનલની ઈન્સ્ટોલ્ડ કેપેસિટી 3174 મેગાવોટ છે અને આખા દેશની કુલ ઈન્સ્ટોલ્ડ કેપેસિટી 10,406 મેગાવોટમાં ગુજરાત 31 ટકા હિસ્સો ધરાવે છે તેવું લોકસભામાં સરકારે જણાવ્યું હતું.
રિન્યુએબલ એનર્જી પ્રધાન આર કે સિંઘે જણાવ્યું કે સોલર રૂફટોપ સ્કીમના બીજા તબક્કામાં ગુજરાત સૌથી મોટો લાભાર્થી રાજ્ય છે. આ સ્કીમમાં સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા 74 ટકા સુધી સબસિડી સહાય કરવામાં આવે છે. વર્ષ 2019 અને નવેમ્બર 2023 વચ્ચે ગુજરાતની ઈન્સ્ટોલ્ડ કેપેસિટી 1956 મેગાવોટ હતી જે કુલ કેપેસિટીમાં 61 ટકા હિસ્સો ધરાવે છે.
અન્ય એક જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સોલાર પાવર જનરેશનમાં બીજા ક્રમે હતું અને 10,417 મેગાવોટ વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. એટલે કે કુલ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતનો હિસ્સો 30 ટકા કરતા વધુ છે. અમદાવાદના એક એનર્જી એક્સપર્ટે જણાવ્યું કે અલગ અલગ જગ્યાએથી સોલાર પેનલ પાવર જનરેશનનો ડેટા આવતો હોય છે. ઘણી નવી રેસિડેન્શિયલ સ્કીમમાં હાઈ કેપેસિટી સોલાર વોટર હીટર અને ઈલેક્ટ્રિસિટી જનરેશન પ્લાન્ટ હોય છે અને તેમાં વધારાનો પાવર ગ્રીડમાં આવે છે. હવે ઘણી રેસિડેન્શિયલ સોસાયટીઓ પણ રૂફટોપ સોલાર પેનલ લગાવીને વીજ ઉત્પાદન કરી રહી છે.
ગુજરાતમાં જે લોકો સોલાર રૂફટોપ લગાવે છે તેમાંથી 95 ટકા પરિવારોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા કરતા ઓછી છે અને તેમણે નાણાકીય બચત કરવા માટે સોલાર પેનલ લગાવી છે. હાલમાં ગુજરાતમાં વિન્ડ પાવરમાં 11 ગીગાવોટ અને સોલાર પાવરમાં 10.4 ગીગાવોટની કેપેસિટી છે. ગુજરાતમાં માથાદીઠ વીજળીનો વપરાશ 2283 યુનિટ છે અને ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં આખા દેશમાં સૌથી આગળ છે. સોલાર પેનલના કારણે ગુજરાતના રહેવાસીઓએ દર વર્ષે લગભગ 2000 કરોડ રૂપિયાની બચત કરી છે. આ ઉપરાંત 1267 મિલિયન યુનિટ પાવર ગ્રીડમાં પરત આપ્યો છે, તેમ એક અહેવાલ જણાવે છે.