આપણું ગુજરાત

વાહન વ્યવહાર વિભાગની ગુજરાતમાં ઉઘાડી લૂંટ, નંબર પ્લેટ બદલવાના ચાર્જમાં 3 ગણો વધારો ઝીંકાયો

વાહન વ્યવહાર વિભાગે જ્યારે નંબર પ્લેટનું કામ ડીલરોને સોંપ્યું તે સમયે સૌને એવું લાગ્યું હતું કે વિભાગે વાહનચાલકોની સુવિધા વધે તે માટે કામ કર્યું છે. જો કે હવે આ નિયમ કેટલી સુવિધા આપી રહ્યો છે તે લોકોને ધીમે ધીમે સમજાઇ રહ્યું છે.
સતત વધી રહેલી મોંઘવારીમાં મધ્યમવર્ગના માનવીના ખિસ્સા પર વધુ એક બોજો ઝીંકાયો છે. રાજ્ય સરકારે વાહનોની જૂની નંબર પ્લેટ બદલવા માટેના ચાર્જમાં અધધધ.. 3 ગણો વધારો કર્યો છે. એટલે કે જે ટુ વ્હીલરની નંબર પ્લેટ બદલવાના પહેલા 160 રૂપિયા લેવાતા હતા તેના હવે 495 રૂપિયા લેવાશે, જ્યારે ફોર વ્હીલર માટે આ ભાવ પહેલા 450 રૂપિયા હતો જેના હવે 781 રૂપિયા ચુકવવા પડશે.

પહેલા વાહનની લોન પૂરી થયા પછી RTOમાંથી NOCનો ચાર્જ લેવાતો ન હતો, હવે તેના પર લોનધારકે રૂ.200 ચૂકવવા પડશે. જે ડીલરોને નંબર પ્લેટની કામગીરી સોંપાઇ હતી તેમને રાજી રાખવા વાહન વ્યવહાર વિભાગે તોતિંગ ભાવવધારો ઝીંકી દીધો છે. નંબર પ્લેટ ડેમેજ થઈ હોય, ફિલ્મ દૂર થઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો RTO કચેરીમાં કામ નહીં થાય. પરંતુ જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે.

તો બીજી બાજુ ડીલરો પણ પોતાની રીતે નંબર પ્લેટ લગાવી આપવાનો એકસ્ટ્રા સર્વિસ ચાર્જ વાહનચાલકો પાસેથી વસૂલશે. પહેલાં RTO કચેરીમાં ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈને જતાં ગ્રાહકનું કામ એક જ દિવસમાં થઈ જતું હતું. પરંતુ હવે બિચારાએ વાહન ડીલરના શોરૂમ પર જઈને પ્રથમ પુરાવા અને ફી ભરવી પડશે, પછી બીજીવાર નંબર પ્લેટ ફીટ કરાવવા માટે ધક્કો ખાવો પડશે. આમ RTO વિભાગના નવા નિયમોને પગલે વાહનચાલકોને બધી બાજુએથી શોષણ સહન કરવાનો વારો આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button