રિવરફ્રન્ટ ફાયરિંગ કેસ: સ્મિતે પૈસાની લેતીદેતી મામલે મિત્રની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી
અમદાવાદ: શહેરના રિવરફ્રન્ટ પર દધીચી બ્રિજ નીચે લોહીલુહાણ હાલતમાં મળેલા સ્મિત ગોહેલની હત્યા થઈ નથી, પરંતુ તેણે આત્મહત્યા કરી હતી. તો બીજી તરફ, વિરમગામના બે મિત્રો, સ્મિત ગોહેલ અને યશ રાઠોડે મળીને રવીન્દ્ર લુહારની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી યશ રાઠોડે જ રવીન્દ્ર લુહારની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો. જો કે, પૈસાની લેતીદેતી મામલે મિત્રોએ જ મિત્ર રવીન્દ્ર લુહારનું ઢીમ ઢાળી દીધું હતું. ત્યારે રવીન્દ્રની હત્યામાં પકડાઈ જવાના ડરથી સ્મિત ગોહિલે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રવીન્દ્ર લુહારની ગોળી મારીને હત્યા નીપજાવવામાં આવી હતી. આરોપી યશ રાઠોડને રવીન્દ્રને પૈસા આપવાના હતા. ત્યારે રવીન્દ્રને રૂપિયા ન આપવા પડે તે માટે યશ રાઠોડે પ્લાન બનાવ્યો હતો. હત્યા કર્યા બાદ સ્મિત અને યશ રાઠોડ અમદાવાદ આવ્યા હતા. સ્મિત ગોહેલને પકડાઈ જવાનો ડર હતો. તેથી સ્મિતે યશ રાઠોડ પાસેથી હથિયાર લઈને રિવરફ્રન્ટ પર પોતાને ગોળી મારી હતી. સ્મિતે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે સાબરમતી નદીમાંથી હથિયાર પણ કબ્જે કર્યું હતું અને યશ રાઠોડની પણ અટકાયત કરી હતી. બંને મૃતક અને યશ વચ્ચે વર્ષોથી મિત્રતા હતી. ત્યારે હથિયાર અંગેની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, યશ અને સ્મિત મધ્ય પ્રદેશના મુરેનામાંથી હત્યા માટે હથિયાર લાવ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
શહેરના રિવરફ્રન્ટ પશ્ર્ચિમ વિસ્તારના દધીચી બ્રિજ નીચે મંગળવારે લોહીલુહાણ હાલમાં યુવકનો મૃતદેહ હોવાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા યુવકના છાતીના ભાગે ગોળી વાગેલાનું નિશાન મળી આવ્યું હતું. જેથી ફાયરિંગ કરીને યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જો કે, યુવક પાસેથી એક મોબાઈલ ફોન અને ચાવીનું ઝૂમખું મળી આવતા પોલીસે આસપાસ તપાસ કરી હતી. જ્યાંથી યુવકનું વાહન મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતા કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે યુવકની ઓળખ કરી હતી.