ગુજરાતમાં મહિલાઓને લગતા ગુનાઓ મુદ્દે રીવાબાએ રાહુલ ગાંધીને શું આપ્યો જવાબ ?

જામનગરઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાઓ દરમિયાન લોકોએ, ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે રાજ્યમાં વધી રહેલા નશા, ગેરકાયદેસર દારૂ અને ગુનાઓએ તેમના જીવનમાં અસુરક્ષાને વધુ ઊંડી બનાવી દીધી છે. તેમણે દાવો કર્યો કે ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતી છે, જ્યાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાઓની અંધારી દુનિયા તરફ ધકેલાઈ રહ્યું છે. કોંગ્રેસના સાંસદે કહ્યું, ગુનેગારોને સત્તાનું સંરક્ષણ મળી રહ્યું હોવાથી મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી રહી છે, મહિલાઓની ઉપેક્ષા થઈ રહી છે.
રીવાબાએ શું કરી પોસ્ટ
રાહુલ ગાંધીની આ પોસ્ટ બાદ ગુજરાતના પ્રધાન રીવાબા જાડેજાએ પણ વળતો જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું, ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધનો દર માત્ર 1.48 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ 4 ટકા કરતાં પણ અડધાથી ઓછો છે. માતાઓ-બહેનોની સુરક્ષાના મામલે ગુજરાત પહેલા નંબર પર હતું, છે અને આગળ પણ પહેલા નંબર પર રહેશે. 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં યાદ રાખજો, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઈને રહી જશે.
આ પણ વાંચો : ટીમ ગુજરાત’ કાર્યરત: નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, રીવાબા સહિતના પ્રધાનોએ સંભાળ્યો ચાર્જ…
ઉલ્લેખનીય છે કે રીવાબા જાડેજા ટીમજામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તેઓને પ્રથમ ટર્મમાં જ રાજ્ય સરકારમાં પ્રધાનપદ મળ્યું છે. હાલ તેઓ શિક્ષણ રાજ્ય પ્રધાન તરીકે કાર્યરત છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રીવાબા જાડેજા સૌથી નાની ઉંમરના અને પૈસાદાર પ્રધાન છે.



