ગુજરાતમાં 2 કોરોના કેસ નોંધાયા બાદ ઋષિકેશ પટેલે આપ્યું આ મોટું નિવેદન
ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં ગઇકાલે કોરોનાના 2 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. એક તરફ રાજ્યભરમાં વાઇબ્રન્ટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, એવામાં અચાનક જ કોરોના કેસ સામે આવવા લાગતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક મોટું નિવેદન આપ્યું છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની વાઇબ્રન્ટ સમિટ પર અસર નહિ થાય, તે પૂર્વનિર્ધારિત આયોજન મુજબ જ યોજાશે. 72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ્સ સામેલ થશે. સરકારે 11 દેશમાં રોડ-શો કર્યા છે. વાયબ્રન્ટ સમિટમાં 25 દેશ પાર્ટનર તરીકે જોડાશે.
આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કોરોનાના કેસને લઇને ચર્ચા થઇ હતી. જેના વિશે જણાવતા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે કોરોનાના નવા વેરિઅન્ટથી સતર્ક રહેવું જરૂરી છે. કોરોનાનો નવો વેરિઅન્ટ માઈલ્ડ પ્રકારનો છે, તે ચિંતાજનક નથી. વિદેશથી આવતા લોકોમાં લક્ષણો હશે તો તેમને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે. જરૂર મુજબ પગલા લેવામાં આવશે.
ઋષિકેશ પટેલે કોરોના વિશે જણાવ્યું હતું કે, ભારતમાં હાલ 2300 જેટલા કોરોનાના કેસ છે. ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. જોકે, આ મામલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ફક્ત સાવચેત રહેવું અનિવાર્ય છે, કારણ કે 99 ટકા કેસમાં દર્દીઓ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યા છે. હાલના વેરિઅન્ટથી મૃત્યુનું પ્રમાણ ખૂબ ઓછું છે. ગુજરાતમાં હજુસુધી JN.1 વેરીઅન્ટના કોઇ કેસ નોંધાયા નથી જ્યારે ભારતમાં આ વેરીઅન્ટના 21 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત વાઇબ્રન્ટ વિશે તેમણે માહિતી આપતા કહ્યું હતું કે, MOU પ્લસની નીતિ લાવ્યા છીએ. આજે 1 લાખ 56 હજાર કરોડના 147 MOU થયા છે.કુલ 2747 MOUમાં 3.37 લાખ કરોડના MOU થયા છે. 12 લાખથી પણ વધુને રોજગારી મળે તેવા MOU થયા છે. સાથે જ ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝના વિજેતાઓને ઈનામ આપવામાં આવશે.