ગુજરાતમાં આરટીઈની 9000થી વધુ બેઠકો ખાલીઃ અત્યાર સુધીમાં 6.70 લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો…

અમદાવાદઃ ગુજરાતમાં આરટીઈ હેઠળ 9,000થી વધુ બેઠકો ખાલી છે, સૌથી વધુ ખાલી બેઠકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં છે. રાજ્ય શિક્ષણ વિભાગના રેકોર્ડ અનુસાર આરટીઈ હેઠળના બે પ્રવેશ રાઉન્ડ બાદ, રાજ્યભરમાં હજુ પણ 9,157 બેઠકો ખાલી છે, જેમાંથી 5,263 અંગ્રેજી માધ્યમની શાળાઓમાં છે.
આ વર્ષે આરટીઈ હેઠળ 9,814 નોન ગ્રાન્ડેટ ખાનગી શાળાઓમાં વિવિધ ભાષાઓના માધ્યમમાં કુલ 94,798 બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં 86,264 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો, જેમાંથી 80,453 વિદ્યાર્થીઓએ 8 મે સુધીમાં તેમનો પ્રવેશ પાક્કો કર્યો હતો. બીજા રાઉન્ડમાં 7,006 બેઠકો ફાળવવામાં આવી હતી, પણ માત્ર 5,240 પરિવારો પ્રવેશ કન્ફર્મ કર્યો હતો.
ખાલી બેઠકોના વિતરણમાં શૈક્ષણિક માધ્યમ અનુસાર સ્પષ્ટ પેટર્ન જોવા મળે છે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 5,263 બેઠકો ખાલી છે, જ્યારે હિન્દી માધ્યમમાં 1,920, ગુજરાતી માધ્યમમાં 1,800, ઓડિયા માધ્યમમાં 105, ઉર્દૂમાં 39 અને મરાઠી માધ્યમમાં 30 બેઠકો ખાલી છે. આરટીઈ અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી પ્રાથમિક શાળાઓમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ, બચી ગયેલી બેઠકો ભરવા માટે ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી તેમજ ગુણોત્સવ જેવા શિક્ષણલક્ષી કાર્યક્રમો થકી રાજ્યને વધુ શિક્ષિત બનવવાનો યજ્ઞ આરંભ્યો હતો. તેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ-2013થી શરૂ કરાયેલા ‘રાઈટ ટુ એજ્યુકેશન’ – આરટીઈ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં એટલે કે, વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત ૬.૭૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
આરટીઈ એકટ હેઠળ પ્રવેશ મેળવનાર નબળા અને વંચિત જુથના બાળકોને પુસ્તકો, સ્કુલ બેગ, ગણવેશ, બુટ તથા પરિવહન ખર્ચ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ ખરીદવા માટે પ્રતિવર્ષ વિદ્યાર્થીદીઠ રૂ.3000 ની સહાય ચુકવવામાં આવે છે. આમ રાજ્ય સરકાર દ્વારા 1057 કરોડથી વધુની સહાય અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. આ પ્રકારની વિદ્યાર્થી સહાય ચૂકવવાની શરૂઆત કરનાર સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે.
આપણ વાંચો : ગુજરાતમાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં 7,006 બાળકોને પ્રવેશ: કુલ 7,378 બેઠકો ખાલી રહી