કચ્છમાં કહેર વર્તાવી રહેલી બીમારી માટે રાયનોવાઇરસ જવાબદાર હોવાનો પુણેની લેબોરેટરીનો દાવો…
ભુજ: કચ્છના અબડાસા અને લખપત પંથકના છેવાડાના વિસ્તારોમાં રહેનારા 18 જેટલા લોકોના જીવનો ભોગ લેનારી અજ્ઞાત બીમારીનાં મૂળમાં રહેલા કારણ વિશે જાણકારી મેળવવા માટે પૂણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરલોજી સેન્ટરને મોકલવામાં આવેલા સેમ્પલનો રીપોર્ટ તૈયાર થઇ ગ્યો છે. જેમાં આ આ બીમારી માટે ‘રાયનો વાયરસ’ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : વરસાદ પછી વકરતો રોગચાળો, ચાર મહાનગર ભરડામાં ! દવ લાગ્યો રે ‘ડુંગરીએ,કેમ કરીએ ?
આ અંગે જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ. રવીન્દ્ર ફૂલમાલીએ જણાવ્યું કે, પૂણેની લેબના રીપોર્ટમાં અસરગ્રસ્તોમાં કોમન કોલ્ડ માટે જવાબદાર એવા સામાન્ય રાયનો વાયરસ (Rhinovirus)ની હાજરી દેખાઈ છે જે બાબત તબીબી જગત માટે વિસ્મયકારક છે.
શરદી-ખાંસી માટે જવાબદાર એવા આ વાયરસનો ચેપ લાગે ત્યારે નાક વહેવા માંડે છે કે બંધ થઈ જાય છે, ઉધરસ આવે છે, ગળાની અંદર ચાંદા પડી જાય છે, માથું દુઃખે છે અને કેટલીક વાર તાવ આવતો હોય છે. દર્દીને સ્પર્શ કરવાથી, ઉધરસ ખાવાથી કે તેના નિકટના સંપર્કમાં રહેવાથી આ વાયરસનો ચેપ લાગે છે. વાયરસના લીધે દર્દીને અસ્થમા, બ્રોન્કાઈટીસ કે ન્યૂમોનિયા જેવી બીમારી થઈ શકે છે.
ડૉ. ફૂલમાલીએ વધુમાં જણાવ્યું હતું કે, હવાથી ફેલાતો આ વાયરસ ઈન્ફ્લુએન્ઝા એ અને બીનો વાહક હોઈ, સ્વાઈન ફ્લુ અને કોવિડ જેવા લક્ષણો અને દર્દીની પરિસ્થિતિ મુજબ તેની અસરકારકતા કે ઘાતકતા હોય છે. રાયનોવાયરસ સામાન્યપણે સર્વત્ર જોવા મળતો સામાન્ય વાયરસ છે. હાલની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરાયું તો ન્યૂમોનિયા, કોવિડ અને સ્વાઈન ફ્લુના કેસ પણ જોવા મળી રહ્યાં છે. જો આ વાયરસથી માત્ર એક ચોક્કસ સમાજના લોકોના જ મૃત્યુ કેમ થઈ રહ્યાં છે? તે સવાલનો હજૂ કોઈ જવાબ મળ્યો નથી.
દરમ્યાન, આદિપુરની રામબાગ હોસ્પિટલમાં તબીબો માટે આ રોગચાળા અંતર્ગત યોજાયેલા વર્કશોપમાં આવેલા અધિક નિયામક એપેડેમિક તજજ્ઞ ડો. જયેશ કતીરાએ જણાવ્યું હતું કે, લખપત અને અબડાસામાં ભેદી બીમારીથી મૃત્યુ પામેલાં દર્દીઓમાં ઈન્ફ્લુએન્ઝા કે ન્યૂમોનિયા જેવા લક્ષણો જોવા મળ્યાં હતાં. તેમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર અચાનક નીચું જતું રહેતું હતું (હાયપો ટેન્શન), કાર્ડિયાક મસલ્સ એકદમ શિથિલ થઈ જતાં હૃદયનું પમ્પિંગ ઓછું થઈ જતું હતું, પમ્પિંગ ઓછું થઈ જવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું હતું, કોઈ ભેદી કારણોસર અજ્ઞાત વાયરસ દ્વારા ટોક્સિક રીલીઝ થતું હોય તેમ કિડની, ફેફસાં અને લિવર જેવા મહત્વના અંગોનું કામ કરવાનું બંધ થવા માંડતા ગણતરીના કલાકોમાં મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોર થતું હતું. ભુજ, અમદાવાદ, જામનગરના અનુભવી તબીબોએ આ લક્ષણોના આધારે લાઈન ઑફ ટ્રીટમેન્ટ આપવાનો પ્રોટોકોલ નક્કી કર્યો છે. આવા દર્દીઓને ટેમિફ્લુ, એન્ટી વાયરલ અને સંબંધિત દર્દ લક્ષણો આધારીત દવા આપવા સૂચના અપાઈ રહી છે.
બીજી બાજુ ભેદી બીમારીના કારણે મોતનો સિલસિલો યથાવત જ હોવાથી તંત્ર પાસે એકમાત્ર ઉપાય મૃત્યુ પામેલા વ્યક્તિની હિસ્ટોપેથોલોજિકલ ઑટોપ્સી કરાવવાનો રહ્યો છે.
આ પણ વાંચો : મુન્દ્રાથી આફ્રિકા નિકાસ થયેલાં કન્ટેનરને પરત બોલાવતા ઝડપાયો 41 કરોડની ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો
સામાન્યતઃ અત્યારસુધી તંત્રએ ભેદી તાવમાં મૃત્યુ પામેલા એકપણ દર્દીની ઑટોપ્સી કરાવી નથી. જો ઑટોપ્સી ના કરાય તો મૃતકના શરીરમાં સોય નાખીને વિવિધ અંગોના નમુના મેળવી તે સેમ્પલ મેળવીને તપાસ કરાવાય તો વધુ સચોટ તારણ મળે તેવી સંભાવના હોવાનું ડો.આર ફૂલમાલીએ ઉમેર્યું હતું.