મહેસૂલી કર્મચારીઓની માસ CL સામે સરકારની લાલ આંખ, જિલ્લા કલેક્ટરોને આપ્યો આવો આદેશ…

અમદાવાદઃ રાજકોટ સહિત રાજયભરના મહેસૂલી કર્મચારીઓ વિવિધ પ્રકારના પ્રશ્નોને મુદ્દે આંદોલન કરવા માટે તૈયારી કરી રહ્યાં છે. તારીખ 30/04/2025ના રોજ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાના હોવાની વિગતો જાણવા મળી છે. રાજ્યના દરેક મહેસૂલી કર્મચારીઓ દ્વારા રજા રિપોર્ટ પણ મૂકી દેવામાં આવ્યો હતો. જો કે, આ કર્માચારીઓ સામે સરકારે પણ બાયો ચડાવી અને એક પણ કર્મચારીઓની રજા મંજૂર ના કરવા માટે જિલ્લા કલેક્ટરોને આદેશ આપી દીધો છે.
સરકારે માસ સીએલને નામંજૂરી કરવા જિલ્લા કલેકટરોને આદેશ કર્યો
રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરોને આપવામાં આવેલા પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, મહેસૂલી કર્મચારી મંડળના સુચિત માસ સીએલના આ કાર્યક્રમના ભાગરૂપે સરકારી કામગીરીથી અળગા રહી સરકારી કામગીરી નહીં કરનાર મહેસૂલી કર્મચારીઓ સામે સેવાતુટ સહિત અન્ય નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે માસ સીએલને મંજૂરી આપી નથી. તેમાં હવે રાજ્યના મહેલૂસી કર્મચારીઓ કાલે રજા પર રહેશે કે ફરજ પર હાજર રહેશે?
મહેસૂલી કર્મચારીઓ દ્વારા કેવી રજૂઆતો કરવામાં આવી?
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસૂલી કર્મચારીઓ દ્વારા બદલીમાં અન્યાય, ખાલી જગ્યાઓ ભરવા, પ્રમોશનમાં વિસંગતતા જેવા અનેક પ્રશ્નોને લઈને રાજ્ય સરકારને રજૂઆતો કરી હતી. વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ સરકાર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી મહેસૂલી કર્મચારી મંડળએ તારીખ 30મી એપ્રિલે માસ સીએલ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કર્મચારીઓએ રજા રિપોર્ટ મુક્યો છે પરંતુ સરકારે તેને ના મંજૂર કરવાનો આદેશ આપ્યો છે.