ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતી વતન પરત ફર્યા: 2 લોકોની ગાંધીનગર પોલીસે પૂછપરછ કરી…

અમદાવાદઃ ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા અને બદપૂરા ગામના 4 લોકો હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ચારેય લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે 2 લોકોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ-1ની ઓફિસે લવાયા હતા, જ્યારે અન્ય બે લોકોની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરીને ગાંધીનગર એલસીબીમાં લવાયા હતા. જ્યારે ચૌધરી અજયકુમાર કાંતિભાઈ, ચૌધરી પ્રિયાબેન અજયકુમારની તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલ ખસેડાયા હતા. એલસીબી ઓફિસે માણસા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય જે.એસ.પટેલ અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી પણ હાજર રહ્યા હતા.
લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં વિગતવાર પૂછપરછ કરી તેમને માણસા લઈ જવામાં આવશે. ચારેય જણા માણસાથી ઈરાન કેવી રીતે ગયા, એજન્ટની વિગતો, કયા રુટ પરથી નીકળ્યા હતા. વિઝા હતા કે નહીં. ખંડણીખોરોએ કેવો અત્યાચાર ગુજાર્યો સહિતની વિગતો પૂછવામાં આવી હતી.
આ અંગે માહિતી આપતા માણસાના ધારાસભ્ય જયંતિ પટેલે જણાવ્યું હતું કે બાપુપુરા અને બદપૂરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. જેમને એજન્ટ અલગ અલગ ત્રણ દેશમાં લઈ ગયો હતો. બાદમાં ઈરાનમાં અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. સમગ્ર બાબતે પરિવાર અને સરપંચે મને રજૂઆત કરી હતી. મેં અમિત શાહ, મુખ્યપ્રધાન, ગૃહ રાજ્યપ્રધાનને રજૂઆત કરી હતી. હાલ તેઓને સલામત પાછા લવાયા છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના એસપીએ પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. એરપોર્ટથી તેમના પરિવાર સાથે વાત થઈ હતી. પીડિતોએ હજુ સુધી એજન્ટ અંગે પરિવારને જાણ કરી નથી. તેમના માતા-પિતા પણ આ બાબતે અજાણ હતા. ગેરકાયદે વિદેશ જવા બાબતે પોલીસ ફરિયાદ થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા બાદ ઈરાનમાં અપહરણ થયું હોવાનું બહાર આવ્યું હતું. અપહરણકારોએ બાપુપુરા ગામમાં રહેતા પરિવારજનોને વીડિયો મોકલી કરોડો રૂપિયાની ખંડણી માગતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલને જાણ થતા તેઓએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખી મદદ માગી હતી.



